GUJARATKUTCHMUNDRA

મુન્દ્રા તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણી: મતદાર યાદીમાં ગેરરીતિ, વહીવટી દબાણ અને લોકશાહી પ્રક્રિયા પર પ્રશ્નાર્થ?

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા, કચ્છ: ૨૦ – આગામી રવિવાર, ૨૨ જૂનના રોજ મુન્દ્રા તાલુકામાં ખાલી પડેલી સરપંચ અને વોર્ડના સભ્યોની બેઠકો માટે યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે વહીવટી તંત્રની બેદરકારી, અપારદર્શિતા અને ચૂંટણી પંચ દ્વારા લાદવામાં આવેલા અવાસ્તવિક સમયમર્યાદાને કારણે લોકશાહી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર ગંભીર સવાલો ઉભા થયા છે. ખાસ કરીને, મતદાર યાદીની ઉપલબ્ધતા અને નવા લાયક મતદારોના નામનો સમાવેશ ન થવા અંગેની ફરિયાદો ચિંતાજનક છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો દ્વારા વારંવાર મામલતદાર કચેરીએ પોતાના વોર્ડની મતદાર યાદીની માંગણી કરવા છતાં તેમને યાદી પૂરી પાડવામાં આવી રહી નથી. તેમને તલાટી પાસેથી યાદી મેળવવાનું કહેવામાં આવે છે, પરંતુ તલાટી અઠવાડિયામાં માત્ર એક જ દિવસ ગામમાં આવતા હોઈ, તેઓ યાદી આપવા અસમર્થતા દર્શાવે છે. આનાથી ઉમેદવારોને પોતાના મતદારો સુધી પહોંચવામાં અને પ્રચાર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જો ગ્રામ પંચાયત પાસે જ ગામના વોર્ડની યાદી ઉમેદવારી કરનાર ઉમેદવારને આપવા માટે ઉપલબ્ધ ન હોય, તો આ ચૂંટણી પ્રક્રિયા તટસ્થ અને લોકશાહી ઢબે થઈ રહી છે તેવું લાગતું નથી.

આનાથી પણ ગંભીર બાબત એ છે કે, ગામના ૧૮ વર્ષથી ઉપરના તાજેતરમાં જ લાયક થયેલા અને ચૂંટણી કાર્ડ મળી ગયેલા અનેક યુવા મતદારોના નામ મતદાર યાદીમાં ન હોવાને કારણે તેઓ પોતાનો પવિત્ર મત આપી શકશે નહીં. જ્યારે મૃત્યુ પામેલા મતદાતાઓના નામ કોઈ કારણોસર કમી કરવામાં આવતા નથી આને લીધે બોગસ મતદાન થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. મતદાર સુવિધા કેન્દ્ર (વોટર હેલ્પલાઇન નંબર ૧૯૫૦) પર ફોન કરતા એવું જાણવા મળેલ છે કે અમુક મતદાતાનું નામ ઓનલાઈન બતાવે છે અને તેઓ રાજ્યસભા અને લોકસભાની ચૂંટણીમાં મતદાન કરી શકે છે, પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરી શકતા નથી, કારણ કે તલાટી દ્વારા તેમનું નામ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું નથી. આ સૂચવે છે કે ગ્રામ પંચાયત અને રાજ્ય/કેન્દ્ર કક્ષાની ચૂંટણીઓની મતદાર યાદીઓ અલગ અલગ હોય છે, જે એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. શું તલાટીને એટલી મોટી સત્તા આપવામાં આવી છે કે તેઓ ભારતના લાયક મતદાતાને ચૂંટણીમાં પોતાનો મત આપતા અટકાવી શકે? આ એક ગંભીર ગેરરીતિ છે અને જવાબદાર તલાટી કે અધિકારીઓ પાસેથી ખુલાસો માંગી યોગ્ય કાર્યવાહી થવી જોઈએ.

વધુમાં, અપક્ષ ઉમેદવારોને ફાળવેલ ચૂંટણી પ્રતીક/સિમ્બોલના ફોટા પણ મામલતદાર કચેરીમાંથી આપવામાં આવી રહ્યા નથી કે નોટિસ બોર્ડ પર પણ લગાવવામાં આવ્યા નથી. ચૂંટણીને માત્ર બે દિવસ બાકી રહ્યા હોય ત્યારે, પ્રતીક વિના ઉમેદવાર અભણ મતદાતાઓને કેવી રીતે પ્રચાર કરી શકે તે મોટો પ્રશ્ન છે. ગ્રામ્ય કક્ષાએ ૫૦% થી વધુ અભણ મતદારો હોય છે જેઓ પ્રતીક જોઈને મતદાન કરતા હોય છે.

તાજેતરમાં મામલતદાર કચેરીની રૂબરૂ મુલાકાત લેતા, કોઈ જવાબદાર અધિકારી હાજર નહોતા અને ઉપસ્થિત કર્મચારીઓએ જણાવ્યું કે બધા ચૂંટણી કામગીરીમાં રોકાયેલા છે અને ચૂંટણી પૂરી થયા બાદ જ કામ થશે. ચૂંટણી સંબંધિત કામગીરી માટે આવેલ ઉમેદવારોને આવા જવાબો આપવા એ વહીવટી તંત્રની સંવેદનહીનતા દર્શાવે છે.

આ સંજોગોમાં, આ એક સુનિયોજિત ષડયંત્ર હોઈ શકે અથવા તો નવા આવેલા કર્મચારીઓને ચૂંટણી કામગીરીની ગંભીરતાનો ખ્યાલ ન હોય તેવું પણ બની શકે. તાત્કાલિક ધોરણે ચૂંટણીમાં રોકાયેલ અધિકારીઓ અને કર્મચારીઓને આ અંગેની તાત્કાલિક ઓનલાઈન તાલીમ આપવામાં આવે અથવા તો ચૂંટણીની તારીખ લંબાવવામાં આવે તેવી તાતી જરૂરિયાત છે, જેથી ખરા અર્થમાં લોકશાહી ઢબે તંદુરસ્ત ચૂંટણી થઈ શકે.

આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ, ચૂંટણી પંચ અને સંબંધિત સત્તાવાળાઓ તાત્કાલિક પગલાં ભરી, પારદર્શક અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરે તેવી જનતાની પ્રબળ માંગ છે.

ચૂંટણી પંચની અવાસ્તવિક સમયમર્યાદા પર સવાલ:

આ તમામ અરાજકતા વચ્ચે, એક અધિકારી દ્વારા એવું પણ જાણવા મળેલ છે કે માત્ર ૨૦ દિવસના ગાળામાં ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવાનું ચૂંટણી પંચનું ભારે દબાણ છે. અધિકારીઓ દિવસ-રાત કામ કરવા છતાં ચૂંટણી પ્રક્રિયાની કામગીરીને પહોંચી વળતા નથી. લોકો સમજી શકતા નથી કે, જો બે વર્ષ સુધી ચૂંટણી થઈ ન હોય અને વહીવટ ચાલી શકતો હોય, તો અચાનક આટલી ઉતાવળ કરવાની જરૂરિયાત શા માટે છે. આટલા ટૂંકા ગાળામાં નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત ચૂંટણી કરાવવી ખરેખર મુશ્કેલ છે, જેના કારણે મતદારો અને ઉમેદવારો બંનેને હાલાકી ભોગવવી પડી રહી છે.

Back to top button
error: Content is protected !!