
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મહિલા સશક્તિકરણની પ્રેરણાદાયી સફળતા. …મિસરી સખી મંડળની બહેનોનો પ્રાકૃતિક સાબુ ઉત્પાદનનો પ્રયાસ
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા ચોઈલા ગામની અંજના બેન પરમાર એક સામાન્ય ગ્રામીણ મહિલા હતા, પરંતુ તેમની અંદર છુપાયેલી ઉદ્યમશીલતા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ આજે અનેક મહિલાઓના જીવનને નવું વળાંક આપ્યું છે. અંજના બેનના નેતૃત્વમાં સ્થપાયેલા મિસરી સખી મંડળ દ્વારા પ્રાકૃતિક સાબુનું ઉત્પાદન કરીને ગામની મહિલાઓ આર્થિક રીતે સ્વાવલંબી બની રહી છે. આ સફળતા રોજગારની સાથે પર્યાવરણ સંરક્ષણ, આરોગ્ય જાગૃતિ અને મહિલા સશક્તિકરણનું પણ ઉત્તમ ઉદાહરણ છે.
અંજના બેન પરમાર જણાવે છે કે, આજના સમયમાં બજારમાં મળતા રાસાયણિક સાબુઓ ત્વચા માટે હાનિકારક છે અને તેમાં વપરાતા કેમિકલ્સથી પર્યાવરણને પણ નુકસાન થાય છે. આ વિચારથી પ્રેરિત થઈને તેમણે પ્રાકૃતિક ઘટકો જેમ કે નારિયેળ તેલ, ઔષધીય વનસ્પતિઓ, આલ્મંડ ઓઇલ,કેસુડો, એલોવેરા, તુલસી, ચંદન વગેરેનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના હાથે બનાવેલા પ્રાકૃતિક સાબુ તૈયાર કરવાનું શરૂ કર્યું. આ સાબુઓ ત્વચા માટે સુરક્ષિત હોવાની સાથે પર્યાવરણને પણ અનુકૂળ છે. અંજના બેન કહે છે, “આપણી પ્રાકૃતિક વિરાસતનો ઉપયોગ કરીને આરોગ્ય અને આવક બંને મેળવી શકાય છે. અમારા સાબુથી ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે અને રાસાયણિક પ્રદૂષણ પણ ઘટે છે.”
મિસરી સખી મંડળની શરૂઆત નાના પાયે થઈ હતી, પરંતુ આજે તેમાં ગામની દસ જેટલી બહેનો જોડાઈને સક્રિયપણે કાર્ય કરી રહી છે. આ બહેનો સાથે મળીને સાબુનું ઉત્પાદન, પેકેજિંગ અને વેચાણનું કામ સંભાળે છે. આ પ્રવૃત્તિથી તેઓ સારી એવી કમાણી કરી રહી છે, જેનાથી તેમના પરિવારનું આર્થિક સ્તર ઉંચું આવ્યું છે. ઘરની ચાર દીવાલોમાંથી બહાર નીકળીને આ મહિલાઓ આત્મવિશ્વાસ સાથે સ્વાવલંબી જીવન જીવી રહી છે.આ સફળતા પાછળ ગુજરાત સરકારની સખી મંડળ યોજના અને ગ્રામ વિકાસ વિભાગનો મહત્વનો ફાળો છે, જેણે તાલીમ, ધિરાણ અને માર્કેટિંગની સુવિધા પૂરી પાડી છે. અરવલ્લી જિલ્લાના આ પ્રયાસથી અન્ય ગામોમાં પણ મહિલાઓ પ્રેરિત થઈ રહી છે. અંજના બેન અને તેમની સખીઓની આ ગાથા દર્શાવે છે કે નાના પ્રયાસથી પણ મોટા પરિવર્તન લાવી શકાય છે. આવી સફળતાઓ ગુજરાતની મહિલા સશક્તિકરણની દિશામાં માઇલસ્ટોન સમાન છે અને ભવિષ્યમાં વધુ વિસ્તારની આશા જગાવે છે.





