અમદાવાદ વિમાન ક્રેશ આણંદના પીડિતો ની અધિકારીઓને દિવસમાં બે વાર મૃતકોના પરિવારની મુલાકાત લેવા સૂચના

અમદાવાદ વિમાન ક્રેશ આણંદના પીડિતો ની અધિકારીઓને દિવસમાં બે વાર મૃતકોના પરિવારની મુલાકાત લેવા સૂચના
તાહિર મેમણ – આણંદ – 14/06/2025 – અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના 33 પ્રવાસીઓના મોત થયા છે. ત્યારે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આજે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. મૃતકોના પાર્થિવ દેહને અમદાવાદથી આણંદ સુધી લાવવા અને અંતિમ સંસ્કારની વ્યવસ્થા માટે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કલેક્ટરે અધિકારીઓને મૃતકોના પરિવારજનો સાથે સંવેદનશીલતાથી વર્તવા સૂચના આપી છે. તેમણે નાયબ કલેક્ટર મિતાબેન ડોડીયાને નોડલ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓને દિવસમાં બે વાર સવારે અને સાંજે મૃતકોના પરિવારની મુલાકાત લેવા જણાવ્યું છે.
બેઠકની શરૂઆતમાં મૃતકોના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈ, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, મૃતકોના પરિવારજનોને કોઈપણ મુશ્કેલી હોય તો તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ લાવવામાં આવે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પરિવારજનોને તમામ જરૂરી સહાય અને સહકાર આપવામાં આવશે.





