
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીમાં આમ આદમી પાર્ટીમાં આંતરિક ગૂંચવણ, મેઘરજની જામગઢ બેઠક પર વિવાદ સામે આવ્યો ઉમેદવાર ને મેન્ડેડ આપ્યા બાદ પાર્ટી ધ્વારા અસ્વીકાર કરાયો નો આક્ષેપ
અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. તેવામાં મેઘરજ તાલુકાની જામગઢ તાલુકા પંચાયત બેઠક પર આમ આદમી પાર્ટી (AAP)માં આંતરિક ગૂંચવણ સામે આવી છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓનો માહોલ ગરમાયો છે.
માહિતી મુજબ, પાર્ટીની અધિકૃત યાદીમાં પારગી ચતુરભાઈ નાથાભાઈનું મેન્ડેડ આપ્યા બાદ ઉમેદવારી નોંધાવવા જતા સમયે મેન્ડેડ કેન્સલ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે આ પરિસ્થિતિને કારણે ઉમેદવાર અને તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને પારગી ચતુરભાઈ 2022 થી પાર્ટી સાથે સક્રિય રીતે જોડાયેલા હોવા છતાં તેમને અવગણવામાં આવ્યા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.મેન્ડેટના મુદ્દે કાર્યકરોમાં અસંતોષનો માહોલ સર્જાયો છે અને પાર્ટીના આંતરિક મતભેદો હવે ખુલ્લા પડતા નજરે પડી રહ્યા છે. પારગી ચતુરભાઈએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો તેમને વહેલી તકે ફરીથી મેન્ડેટ આપવામાં નહીં આવે તો તેઓ તેમના સમર્થકો સાથે રાજીનામું આપી દેશે.આ સમગ્ર ઘટનાક્રમને કારણે આમ આદમી પાર્ટીમાં આંતરિક તણાવ વધી રહ્યો છે, જ્યારે વિરોધ પક્ષો માટે આ મુદ્દો રાજકીય ફાયદાનો બની શકે છે. હવે પાર્ટી નેતૃત્વ આ વિવાદને કેવી રીતે હલ કરે છે અને જામગઢ બેઠક પર અંતિમ નિર્ણય શું આવે છે, તે તરફ સૌની નજર ટકેલી છે.





