ARAVALLIGUJARATMODASA

અરવલ્લી માં ભારે વરસાદે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો, ડીપ બ્રીજો પાણીમાં ગરકાવ, મેઘરજના રમાડ ગામનું તળાવ તૂટવાની સંભાવના 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી માં ભારે વરસાદે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો, ડીપ બ્રીજો પાણીમાં ગરકાવ, મેઘરજના રમાડ ગામનું તળાવ તૂટવાની સંભાવના

અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસતા નદીઓ–નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભિલોડા–શામળાજી હાઇવે પર રૂદ્રેશ્વર મહાદેવ મંદિર પાસેનું ડાયવર્ઝન પાણીના ઘસારા સાથે ધોવાઈ જતા માર્ગ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો છે. એ જ રીતે ગઢિયા અને રાયપુરના ડાયવર્ઝન પણ ધોવાઈ જતા તમામ વાહન વ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે રેલ્લાંવાડાની માઝૂમ નદીમાં ઘોડાપુર આવ્યું છે. સીઝનમાં પહેલી વાર નદી બંને કાંઠે વહેતી જોવા મળી છે. ભિલોડા તાલુકામાં એક ઇંચ વરસાદ નોંધાતા ગામડાઓમાં પણ નદી–નાળા છલકાઈ ગયા છે.મેઘરજ તાલુકાના રમાડ ગામનું તળાવ તૂટવાની આરે હોવાની માહિતી મળતા મોટી મોયરી ગામના સરપંચ રાકેશભાઈ ડેંડુણે સોસીયલ મીડિયામાં વીડિયો જાહેર કરી આસપાસના ગામલોકોને સચેત રહેવા અને વાંઘા પાર ન કરવા અપીલ કરી છે.

 

આ સિવાય ભિલોડાના શોભાયડા ગામનો ડીપ ઓવરફ્લો થતાં સુનોખ–શોભાયડા–જનાલી માર્ગ બંધ થઈ ગયો છે. જેના કારણે બંને તરફના 10થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો છે. બીજી તરફ મેઘરજ તાલુકાના નવાગામ–કટાળું ગામ પાસે આવેલ ડીપ બ્રિજ પાણીમાં ગરકાવ થતાં પટેલછાપરા, રખાપુર, ઇસરી સહિતના ગામોના લોકોનો સંપર્ક તૂટી ગયો છે.હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જિલ્લાના નાગરિકોને સાવચેતી રાખવા તેમજ નદી–નાળા અને તળાવ પાસે અવરજવર ન કરવા વિનંતી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!