GUJARATPADDHARIRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પડધરીમાં આશાવર્કર બહેનો માટે બ્રેસ્ટ-સર્વાઈકલ કેન્સર, હાયપરટેન્શન, ડાયાબિટીસ વગેરે માટેનો તપાસ કેમ્પ યોજાયો

તા.૨૪/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રીસર્ચ ઇન્સ્ટિટ્યુટના સહયોગથી સી.એચ.સી. પડધરી ખાતે કરાયું આયોજન

Rajkot: સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ-રાજકોટના સહયોગથી સી.એચ.સી. પડધરી ખાતે ૩૦થી વધુ વયની આશાવર્કર બહેનો માટે બ્રેસ્ટ કેન્સર, સર્વાઈકલ કેન્સર, હાયપરટેન્શન તેમજ ડાયાબિટિસના રોગ માટે તપાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

દેશમાં દર વર્ષે નોન કોમ્યુનિકેબલ બીમારીના કેસો વધી રહ્યા છે, ત્યારે આ કેસો શોધવાના હેતુસર રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમપ્રકાશ તથા જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. આર. આર. ફુલમાલીના માર્ગદશન હેઠળ આ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

જેમાં સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા ૩૦ વર્ષથી વધુ વયની પડધરી તેમજ લોધિકા તાલુકાની આશાવર્કર બહેનોની સર્વાઈકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરની તપાસ કરવામાં આવી હતી. કુલ મળીને ૧૧૧ આશાબહેનોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી બ્રેસ્ટ કેન્સરના નવ જ્યારે સર્વાઈકલ કેન્સરના બે શંકાસ્પદ કેસો મળ્યા હતા. જ્યારે નવ આશાવર્કર બહેનોને મેમોગ્રાફી તપાસ માટે જિલ્લા કક્ષાની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી હતી. આ તપાસનો ખર્ચ પ્રાઈવેટ હોસ્પિટલમાં આશરે રૂપિયા ૫૦૦૦થી ૬૦૦૦ જેટલો થાય. પરંતુ આશાવર્કર બહેનોની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી. આ ઉપરાંત ૧૧૧ આશાવર્કર બહેનોની હાઇપરટેન્શન અને ડાયાબીટીસની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી હાઈપરટેન્શનના ૨૭ અને ડાયાબિટીશના ૦૩ કેસ સામે આવતા દવા શરૂ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, દરેક તાલુકાઓમાં કેન્સરની તપાસ માટે સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાઈ રહ્યા છે. જેમાં પહેલા ગોંડલ તાલુકા ખાતે અગાઉ કેમ્પ કરવામાં આવ્યો હતો. બીજો કેમ્પ સામુહિક આરોગ્ય કેન્દ્ર-પડધરી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!