દિવાળી ગયાને 15 દિવસ થયાં હવે તો રસ્તાની મરામત કરાવો: વિપક્ષ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસામાં પડેલાં વરસાદને કારણે મહત્તમ રોડની હાલત બદથી બદતર થઇ ગઇ છે. ત્યારે ભરૂચ પાલિકાના પશ્ચિમ વિસ્તારમાં ચોમાસામાં તેમજ તે પહેલાં શરૂ થયેલાં કામો હજી પૂર્ણ થયાં નથી. વરસાદને કારણે કામ ન થઇ શકતાં જે તે સમયે પાલિકા સત્તાધિશોએ દિવાળી બાદ કામગીરી શરૂ કરવાની બાંહેધરી આપી હતી. જેને પગલે સોમવારે પાલિકાના વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ઈબ્રાહીમ કલકલ, યુસુફ મલેક, સલીમ અમદાવાદી સહિત અન્ય સભ્યો અને હોદ્દેદારો મુખ્ય અધિકારીને મળી તેમના વિસ્તારના રસ્તાના કામો તાકીદે શરૂ કરવામાં આવે તેવી માગ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભરૂચના પાંચબત્તી ઢાળથી લઈને બાયપાસ તેમજ મોહમ્મદપુરાથી બંબાખાના સુધી નવો રસ્તો બનાવવા માટે સામાન્ય સભામાં થયેલી દરખાસ્તને શાસક પક્ષે સર્વાનુમતે મંજૂર કરી હતી. જોકે, તેની ગ્રાન્ટની મંજૂરી માટેની તમામ પ્રક્રિયા વહેલી પૂર્ણ કરી આ રસ્તાની નવીનીકરણની કામગીરી કરવાની માગ, શહેરના ફાટા તળાવથી લઈને ફુરજા સુધીના રસ્તો કે જે RCC મંજૂર થયેલો છે તે અધૂરો છે તે રસ્તાને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે.



