ભરૂચ: આમોદમાં બનેવીએ સગીરવયની સાળીને ગર્ભવતી બનાવી, પાપ છુપાવવા નવજાત બાળકીને ત્યજી દીધી !

સમીર પટેલ, ભરૂચ
આમોદ નગરના દરબારગઢ વિસ્તારમાં તાજેતરમાં એક નવજાત બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે.પોલીસ તપાસમાં સગા બનેવીએ જ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હોવાનું સામે આવ્યું છે.આ મામલે આમોદ પોલીસે સગીરાના બનેવીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમોદ નગરમાં 4 ઓગસ્ટ સોમવારે બપોરના દરબારગઢ વિસ્તારમાં આવેલી મકાનની પાછળની ગલીમાં લોહીલુહાણ હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. કોઈ અજાણી વ્યક્તિ તે બાળકીને ત્યાં મુકીને ફરાર થઈ હોવાની જાણ ત્યાં રહેતા ભાડુઆતોએ મકાનમાલિક તથા આસપાસના રહીશોને કરી હતી.જેથી આમોદ પોલીસના પીઆઈ રાજેશ કરમટીયા તેમના સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવી બાળકીનો કબ્જો મેળવી પ્રથમ આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.બાળકીની હાલત નાજુક જણાતા તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.બીજી તરફ પોલીસ દ્વારા તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રો તથા દવાખાનાઓમાં પૂછતાજ અને તપાસ હાથ ધરી હતી.
આ સમયે પોલીસને જાણવા મળ્યું હતું કે,બાળકીને જન્મ આપનાર તેની માતા સગીરા છે ત્યાર બાદ પોલીસે સગીરા માતાને શોધી કાઢી હતી.જોકે સગીરાની પણ તબિયત લથડી હોય તેને પણ તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.આ કેસમાં પોલીસે સગીરાના નિવેદન લેતા ચોંકાવનારો ખુલાસો થયો હતો જેમાં તેની બહેનના પતિ એટલે તેના બનેવીએ જ સગીરા સાથે અવાર નવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી હતી.સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો
દુષ્કર્મ છુપાવવાના ઇરાદે બાળકીને અનાથ જેવી હાલતમાં ત્યજી દેવામાં આવી હતી. ઘટના બાદ હાલ બાળકી તથા સગીરા બંને સ્વસ્થ સ્થિતિમાં છે અને તેમની તબિયત હાલ સ્થિર છે.આ મામલે આમોદ પોલીસે બનાવમાં સંડોવાયેલા નરાધમ બનેવીને ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.




