અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓટોઇમ્યુન રોગોના 470 દર્દીઓને ₹7 કરોડથી વધુના IVIG ઇંજેક્શન નિ:શુલ્ક અપાયા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: રાજ્યની આરોગ્ય સેવા માટે મહત્વપૂર્ણ મોર્ચા સાબિત થતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓટોઇમ્યુન રોગોથી પીડિત 470 દર્દીઓને વર્ષ 2024 દરમિયાન કુલ ₹7 કરોડથી વધુના IVIG (ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન) ઇંજેક્શન નિ:શુલ્ક આપવામાં આવ્યા.
સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ માહિતી આપતા જણાવ્યું કે ઓટોઇમ્યુન રોગ એ એક એવી પરિસ્થિતિ છે જેમાં શરીરનાં રોગપ્રતિકારક શ્વેતકણો પોતાના જ અંગો કે પેશીના કોષો સામે લડીને નુકસાન પહોંચાડે છે. IVIG ઇંજેક્શન એન્ટિબોડીઝનો સમૂહ છે જે શરીરની રોગપ્રતિકારક પ્રતિક્રિયાને નિયમિત કરતું હોય છે અને એવા દર્દીઓ માટે આશાજનક સાબિત થાય છે.
વર્ષ 2024 દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવા 470 દર્દીઓને IVIG ઇંજેક્શન આપવામાં આવ્યા, જેમાં 146 દર્દી અમદાવાદના, 246 ગુજરાતના અન્ય જિલ્લાઓના અને 78 અન્ય રાજ્યોના હતા. આ તમામને રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવેલા નિ:શુલ્ક ઈંજેક્શનથી સારવાર અપાઈ.
ડૉ. રાકેશ જોશીએ વધુમાં જણાવ્યું કે IVIG નો ઉપયોગ મુખ્યત્વે જીબીએસ (Guillain-Barré Syndrome), માયેસ્થેનિયા ગ્રેવિસ, એનકેફેલાઇટિસ જેવા ન્યુરોલોજીકલ રોગોની સારવારમાં થાય છે. વર્ષ 2024 દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 2.5 ગ્રામના IVIG ઇંજેક્શન માટે ₹4.47 કરોડ અને 5 ગ્રામના IVIG ઇંજેક્શન માટે ₹2.7 કરોડથી વધુનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ એ માત્ર ગુજરાત જ નહીં, પણ પડોશી રાજ્યો માટે પણ એક મહત્વનું તબીબી કેન્દ્ર છે. અહીં સામાન્ય થી લઈને દુર્લભ અને ગંભીર રોગોની સારવાર માટે આધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજ્ય સરકારની આરોગ્ય નીતિ હેઠળ નાણાકીય રીતે નબળા દર્દીઓને વિવિધ મેડિકલ સારવાર માટે નિ:શુલ્ક સુવિધાઓ આપવામાં આવે છે. IVIG ઇંજેક્શન થકી બચાવાયેલા 470 દર્દીઓ માટે આ યોજના જીવનદાયી સાબિત થઈ છે.




