‘સાહેબ મેં અહીં-અહીં લાશના ટુકડા ફેક્યા હતા’:મિત્રની ઠંડા કલેજે હત્યા કરી લાશના કરવતથી ટુકડા કરવાના કેસમાં પોલીસે ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું




સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી.જેમાં શૈલેન્દ્ર ચૌહાણે તેના મિત્ર સચીન ચૌહાણની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા હતા આ ઘટના પાછળનું કારણ બ્લેકમેલિંગ હતું. સચીન શૈલેન્દ્રની પત્નીના આપત્તિજનક ફોટા દ્વારા બ્લેકમેલ કરી રહ્યો હતો. કંટાળેલા શૈલેન્દ્રએ સચીનને ઝાડેશ્વર વિસ્તારની હરિધામ સોસાયટીમાં આવેલા તેના ઘરે બોલાવ્યો.બંને પાર્ટી કરીને સૂઈ ગયા બાદ શૈલેન્દ્રએ સચીનના મોબાઈલમાંથી ફોટા ડિલીટ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે સચીન જાગી જતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાયેલા શૈલેન્દ્રએ છરીના ઘા મારી સચીનની હત્યા કરી નાખી હતી.
હત્યા બાદ શૈલેન્દ્રએ મૃતદેહના 9 ટુકડા કર્યા.આ બાદ તેની તબીયત ખરાબ થતા તે સાઈ મંદિર પાસેથી દવા લેવા ગયો હતો. ત્યાર બાદ ચામુંડા માતા મંદિર પાસેથી આરી, તુલસીધામ પાસેથી પ્લાસ્ટિક થેલી અને દાંડિયા બજારમાંથી મહિલાનું ગાઉન અને મોજા ખરીદ્યા બાદ સચિનના મૃતદેહના અલગ અલગ નવ ટુકડા કરી મહિલાના કપડાં પહેરી મોપેડ પર ભોલાવ GIDC વિસ્તારની અલગ-અલગ ગટરોમાં મૃતદેહના ટુકડા ફેંકી દીધા હતા.
જેમાં મૃતકના ભાઈની ફરિયાદ બાદ પોલીસે શૈલેન્દ્રને બિહારથી ઝડપી પાડ્યો. આઠ દિવસના રિમાન્ડ દરમિયાન PI વામન ભરવાડના નેતૃત્વમાં આજ રોજ સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપીએ લાશના ટુકડા ફેક્યા એ વિષે પોલીસને જણાવ્યું હતું. પોલીસે મોટાભાગના પુરાવા એકત્ર કરી લીધા છે અને રિમાન્ડ દરમિયાન વધુ ખુલાસા થવાની શક્યતા છે.



