Rajkot: લુપ્ત થતી વનસ્પતિને બચાવવા રાજકોટ જિલ્લાનો યુવક ચલાવે છે વિનામૂલ્યે ‘બીજ પોસ્ટ અભિયાન’

તા.૨૮/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખનઃ સંદીપ કાનાણી
‘વંદે વસુંધરા બીજ બેન્ક’ દ્વારા સાત વર્ષમાં ૨૦ હજારથી વધુ લોકોને વિનામૂલ્યે બીજ વિતરણ કરાયું
આ વર્ષે જૂન માસમાં જ ૧૦૦૦થી વધુ લોકોને બીજ પોસ્ટ કર્યા
Rajkot, Upleta: ઉપલેટામાં રહેતા મહેશભાઈને જીવંતી ડોડી સહિત કેટલીક દુર્લભ વનસ્પતિઓના બીજની જરૂર હતી. જે તેમને મળતા નહોતા.તેમના ધ્યાનમાં રાજકોટની ‘વંદે વસુંધરા બીજ બેન્ક’નો નંબર આવ્યો. મહેશભાઈએ વોટ્સએપથી સંપર્ક કરીને બીજની જરૂરિયાત જણાવી. બે દિવસમાં જ તેમને જોઈતી દુર્લભ વનસ્પતિઓના બીજ કૂરિયર દ્વારા ઘરે બેઠા મળી ગયા. તેમને માત્ર કૂરિયરનો સામાન્ય ચાર્જ ચૂકવવો પડ્યો. દુર્લભ બીજ તો વિનામૂલ્યે જ મળ્યા!
મહેશભાઈ તો ઉદાહરણ છે, પણ ગુજરાત ઉપરાંત જમ્મુ-કાશ્મીરના ફૌજીથી લઈને, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ સહિતના રાજ્યોના ૨૦ હજારથી વધુ લોકો છેલ્લા સાત વર્ષમાં ‘વંદે વસુંધરા બીજ બેન્ક’ થકી દુર્લભ વનસ્પતિઓના બીજ વિનામૂલ્યે ઘરે બેઠા મેળવીને વનસ્પતિઓનું સંવર્ધન કરી રહ્યા છે. અને આ દુર્લભ કાર્ય શક્ય અને સરળ બન્યું છે રાજકોટના લોધિકા તાલુકામાં રહેતા એક યુવક રાજેશ બારૈયાના પરિશ્રમ થકી.
લુપ્ત થતી વનસ્પતિઓને બચાવવા અને તેના વિસ્તાર માટે ૩૫ વર્ષીય યુવક રાજેશ બારૈયાએ ‘બીજ પોસ્ટ’ અભિયાન છેડ્યું છે. આ માટે રાજેશે વર્ષ ૨૦૧૯માં ૨૫મી જૂનથી વિનામૂલ્યે બીજ વિતરણ કરતી ‘વંદે વસુંધરા બીજ બેન્ક’ શરૂ કરી છે. રાજેશ મેટોડામાં એક કંપનીમાં સેફ્ટી સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તે લોધિકાના બાલસર ગામ પાસે માત્ર વન બેડરૂમ, હોલ, કીચનના નાનકડા ફ્લેટમાં ભાડાના મકાનમાંથી પરિવાર સાથે ‘પ્રકૃતિ જતનનું મહાઅભિયાન’ ચલાવી રહ્યો છે. આ કામમાં પત્ની ધનીબહેન, સાત વર્ષની દીકરી નિધિ તથા પાંચ વર્ષનો દીકરો દેવ પણ મદદ કરે છે.
આ બીજબેન્કમાં હાલ ૩૦૦ પ્રકારના બીજ છે. જેમાંથી ૨૦૦ પ્રકારના બીજનું વિનામૂલ્યે વિતરણ કરે છે. સીતાફળ, વાંસ, અપરાજિતા, ટીમરૂ, ખેર, જીવંતી ડોડી, કાળી ડોડી, કૈલાસપતિ, કાળો ધતૂરો, અરલુ (ટેટુ-ભાગ્યે જ જોવા મળતી શિંગ), રૂખડો, નોળવેલ, વર્ષાડોડી સહિત અનેક પ્રકારના બીજ તેની પાસે મોજૂદ છે. ‘વંદે વસુંધરા બીજ બેન્ક’ ફેસબુક પેજ, વોટસ્એપ (૯૪૨૭૨ ૪૯૪૦૧) કે ‘વનવાસી કવિ’ એફ.બી.-ઈન્સ્ટાગ્રામ પર કોઈ રાજેશનો સંપર્ક કરે, એટલે તે તુરંત બીજનું કવર મોકલી આપે છે.
રાજેશના જણાવ્યા પ્રમાણે, એક કવરમાં આઠ-દસ પ્રકારના કુલ મળીને નાના-મોટા ૫૦-૭૦-૮૦ જેટલા બીજ હોય છે. આ વર્ષે જૂન માસના ૨૫ દિવસમાં જ તે ૧૦૮૦ લોકોને બીજના કવર મોકલી ચૂક્યો છે. સામાન્ય રીતે ચોમાસાની સિઝનના ચાર મહિના તે બીજનું વિતરણ કરે છે. આ સિઝનમાં આશરે ૪૦૦૦ લોકોને બીજ વિતરણ કરવાનો તેનો લક્ષ્યાંક છે. આ વર્ષે તેણે ૩૦૦ લોકોને જીવંતી ડોડીના બીજનું વિતરણ કર્યું છે. અત્યાર સુધીમાં તે રાજ્યની ૫૫૦ જેટલી શાળા-કોલેજોમાં વિનામૂલ્યે કુરિયરનો ચાર્જ લીધા વિના વિવિધ બીજના કવર મોકલી ચૂક્યો છે.
રાજેશ ફુરસતના સમયમાં વિવિધ વિસ્તારોમાં જઈને લુપ્ત થતી જતી વનસ્પતિઓના ફળ-શિંગ-બીજ શોધતો રહે છે. જરૂર પડ્યે તે આવા બીજ બહારથી ખરીદી લાવીને સંવર્ધન કરીને તૈયાર કરે છે. ઘરે પત્ની આ બધા ફળ-શિંગ સૂકવીને બીજ તૈયાર કરે છે.
કેવી રીતે આ બેન્ક શરૂ કરવાનો વિચાર આવ્યો તે અંગે રાજેશ કહે છે કે, અગાઉ તે મેગેઝીન્સ-છાપામાં પર્યાવરણ વિશે કવિતા-લેખો લખતો. છતાં લોકોમાં પૂરતી જાગૃતિ ના હોય એવું લાગતું. તેણે જોયું કે વનવિભાગ, નર્સરીઓ રોપા ઉછેરીને લોકોને આપે છે, પછી લોકો આ રોપાને વાવીને વૃક્ષો ઉગાડે છે. તેને એવું પણ ધ્યાનમાં આવ્યું કે, લુપ્ત થતી વનસ્પતિઓના છોડ, રોપા બીજ સરળતાથી મળતા નથી. આથી તેણે દુર્લભ વનસ્પતિઓના બીજ ભેગા કરીને લોકોને વિનામૂલ્યે મોકલવાના શરૂ કર્યા. છેલ્લા ત્રણ વર્ષથી રાજેશે લોકોની માગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નાના પાયે ઔષધીઓનું નિર્માણ પણ શરૂ કર્યું છે.
(BOX) બોરડાના ઉધવાનંદ આશ્રમમાંથી મળ્યું જ્ઞાન અને પ્રેરણા
રાજેશના જણાવ્યા પ્રમાણે, તે મૂળ ભાવગનરના તળાજા પાસેના બોરડા ગામનો વતની છે. માતા-પિતા ખેતમજૂરી કરતા હોવાથી સ્થળાંતરિત થતા રહેતા. તેનો અભ્યાસ બગડે નહીં તે માટે બોરડાના ઉધવાનંદ બાપુના આશ્રમમાં રહેતો હતો. રાજેશે આશ્રમમાં રહીને બોટની વિષય સાથે ૧૨ સાયન્સનો અભ્યાસ કર્યો. ઉધવાનંદ બાપુ વનસ્પતિ, બીજ અને ઔષધિઓના સારા જાણકાર હતા. તેમની પાસેથી જ તેને આ બીજ, વનસ્પતિઓનું જ્ઞાન મળ્યું, સાથે પ્રકૃતિના જતનની પ્રેરણા મળી છે.
(BOX) વનવાસી કવિએ કવિતાઓ-લેખ લખ્યાઃ સોશિયલ મીડિયા થકી કરે છે પ્રચાર
રાજેશ પ્રકૃતિ વિશે ‘વનવાસી કવિ’ નામે કવિતા પણ લખે છે. તેણે સાત વર્ષ સુધી ‘ચાલો કુદરતની કેડીએ’ કોલમ લખી છે. જે બદલ રાજકોટના તત્કાલીન શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહતોલ તેનું સન્માન કરી ચૂક્યા છે. લોકોમાં વનસ્પતિ વિશે જાગૃતિ લાવવા તેણે સોશિયલ મીડિયા પર ૨૫૦ જેટલી વનસ્પતિઓની પ્રોફાઈલના પોસ્ટર બનાવીને શેર કર્યા છે.
રાજેશ બારૈયા (વનવાસી કવિ)એ લખેલું એક કાવ્યઃ
‘‘અલખનાદ રાખું છું’’
વૃક્ષ સાથે પ્રેમ રાખું છું,
શ્વાસનો સંબંધ રાખું છું.
જિંદગી જેના થકી હોય છે,
લાગણી ત્યાં તરબોળ રાખું છું.
જીવને શિવથી જોડવા,
અંતર અલખનાદ રાખું છું.
મહેફિલનો શોર ત્યજી,
પંખીનો કલરવ સંગ રાખું છું.
વસુંધરાનો વારસો છે વનવાસી,
પંચ મહાભુત પ્રમાણ રાખું છું.







