જામનગર કલેક્ટરે “સંકલન”માં કરી સઘન સમીક્ષા

*જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી જન હિત કાર્યો ઝડપી પુરા કરવા સુચના વિકાસ કાર્યો અને યોજનાઓના લાભ અંગે થઇ સઘન સમીક્ષા
*બેઠકમાં જામનગર જિલ્લાની નવી 8 વાજબી ભાવની દુકાનોને મંજૂરી અપાઈ*
*જામનગર (નયના દવે)
જિલ્લા કલેકટરશ્રી બી.કે.પંડયાના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મામલતદારશ્રીની કચેરીઓ તરફથી મળેલ દરખાસ્ત મુજબ જામનગર જિલ્લામાં 8 નવી વાજબી ભાવની દુકાનોને મંજૂરી આપવામાં આવેલ છે. જેમાં જામનગર શહેર વિસ્તારના ઝોન- 1 માં ગોકુલ નગર, મુરલીધર નગર, સરદાર નગર, ગોકુલ નગર જકાતનાકા, ઝોન- 2 માં ભાવસાર ચકલા સહિતના વિસ્તારોમાં નવી દુકાનો ખોલવામાં આવશે. જામનગર ગ્રામ્ય તાલુકામાં ઠેબા, જોડીયા તાલુકામાં જોડીયા- 1 માં અને જામજોધપુર તાલુકામાં નંદાણા, બમથીયા, ગઢકડા અને ડેરી આંબરડી ગામોમાં નવી વાજબી ભાવની દુકાનો શરુ કરવામાં આવશે.
જામનગર શહેર વિસ્તારના ઝોન- 1 માં 21,089, ઝોન- 2 માં 5,417, જામનગર ગ્રામ્ય તાલુકામાં 4,182, જોડીયા તાલુકામાં 10,465, જામજોધપુર તાલુકામાં 2,959 જેટલા એન.એફ.એસ.એ. કાર્ડ ધારકો છે જેમને આ યોજનાનો લાભ મળશે. બેઠકમાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ અન્વયે હાથ ધરવાની થતી આનુસંગિક કાર્યવાહી વિશે જિલ્લા કલેકટરશ્રીએ ઉપસ્થિત સર્વેને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.
આ સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરીયા, અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન.ખેર, વેપારી મંડળના પ્રમુખશ્રીઓ તેમજ સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. *જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક પણ યોજાઈ હતી જિલ્લા કલેકટર શ્રી બી.કે.પંડયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી હતી. જેમાં જિલ્લા કલેકટરશ્રીએ સિંચાઈ, પાણી પુરવઠો, વીજ વિભાગ, આરોગ્ય, સામાજિક વનીકરણ, માર્ગ અને મકાન, સ્ટેટ હાઈવે રીપેરીંગ, નલ સે જલ યોજનાનું નિયમિત અમલીકરણ, જમીન સંપાદન, અકસ્માત નિવારણ માટે બ્લેક સ્પોટ આઈડેન્ટિફિકેશન, જિલ્લાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલકોની ભરતી, ચાંદીપુરા વાઈરસના અટકાયત વિશે આનુસંગિક કામગીરી, સઘન વૃક્ષારોપણ, વિવિધ ગામોમાંં નવી આંગણવાડીના બાંધકામ અને અન્ય જરૂરી પ્રશ્નોની ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ લગત વિભાગોને લોકોપયોગી કામગીરી સત્વરે હાથ ધરવા સૂચન કર્યું હતું.
ઉપરાંત જિલ્લા કલેકટરશ્રીએ સંલગ્ન અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી અને જનહિતલક્ષી યોજનાઓનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તેમજ જિલ્લામાં જેટલા પણ રસ્તા, ડેમના અને અન્ય કામો બાકી હોય તે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે જણાવ્યું હતું. ઉક્ત બેઠકમાં મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, અધિક નિવાસી કલેકટર શ્રી બી.એન.ખેર સહિત તમામ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જે અંગેના અહેવાલ જામનગર જીલ્લા માહિતી કચેરીના શ્રી વિરેન્દ્રસિંહ ,સુશ્રી પારૂલબેન,સુશ્રી જલકૃતિબેન એ માધ્યમોને પુરા પાડ્યા હતા
*000000*



