JAMNAGARLALPUR

જામનગર જિલ્લાના સાંસદ દ્વારા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પત્રકારોને દિલ્હી સંસદ દર્શનની યાદગાર મુલાકાત કરાવી

14 માર્ચ 2026
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા :- જામનગર

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના લોકપ્રિય સાંસદ પુનમબેન માડમ દ્વારા જામનગર જિલ્લાના મીડિયા મિત્રો ને નવી દિલ્હીમાં આવેલા સંસદ ભવન તેમજ સંવિધાન સદનની મુલાકાત કરાવવાની વિશેષ તક આપવામાં આવી હતી. આ યાદગાર પ્રવાસ માટે કાલાવડ સહિત જિલ્લાના પત્રકારોએ સાંસદશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.આ મુલાકાત દરમિયાન પત્રકારોને દેશના લોકશાહી તંત્રના કેન્દ્રસ્થાનને નજીકથી જોવા અને સંસદીય કાર્યપદ્ધતિ અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવવાનો અનોખો અવસર પ્રાપ્ત થયો હતો. સાંસદશ્રીના પ્રયાસોથી જામનગર જિલ્લાના આશરે 150 જેટલા પત્રકારો માટે દિલ્હી દર્શનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.પ્રવાસ દરમિયાન પત્રકારોએ નવી દિલ્હીના ઐતિહાસિક અને રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્થળોની મુલાકાત લીધી હતી. ખાસ કરીને સંસદ ભવન તથા સંવિધાન સદનની મુલાકાત પત્રકારો માટે ખૂબ જ યાદગાર બની રહી હતી. આ સ્થળોએ જઈ પત્રકારોએ ભારતની લોકશાહી વ્યવસ્થા, સંસદીય કાર્યપદ્ધતિ અને દેશના રાજકીય વ્યવસ્થાપન વિશે નજીકથી માહિતી મેળવી હતી.મુલાકાત દરમિયાન પત્રકારોને સંસદ ભવનની આંતરિક રચના, વિવિધ વિભાગો તેમજ સંસદીય પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દેશના નીતિનિર્માણનું કેન્દ્ર ગણાતું સંસદ ભવન અને તેની કામગીરી વિશે નજીકથી જાણવાની તક મળતા પત્રકારોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.આ પ્રસંગે કાલાવડના નામાંકિત પત્રકાર નિરવભાઈ ભટ્ટ, રાજુભાઈ રામોલિયા, તુષારભાઈ વાદી, કૌશિકભાઈ ગમઢા, કૌશિકભાઈ આશરા,હર્ષલભાઈ ખંધેડિયા, કૃષિભાઈ વાદી સહિતના પત્રકારોએ જણાવ્યું હતું કે આવી મુલાકાતથી લોકશાહી વ્યવસ્થાની કાર્યપદ્ધતિને વધુ સારી રીતે સમજવાનો અવસર મળ્યો છે.આ સમગ્ર પ્રવાસનું આયોજન સાંસદ પુનમબેન માડમના કાર્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યાલયના ચીફ સુરેશભાઈ રાચ્છા, કરસનભાઈ પીઠિયા ડો.હાર્દિક તેમજ તમામ સ્ટાફ દ્વારા પત્રકારો માટે રહેઠાણ, પ્રવાસ અને અન્ય જરૂરી સુવિધાઓની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી.આ પ્રસંગે પત્રકારો સાથે કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા,સાંસદશ્રી પુરુષોત્તમ રૂપાલા, અભિનેત્રી અને સાંસદશ્રી કંગના રણૌત તથા સાંસદ શ્રી ગેનીબેન ઠાકોરે પણ સમય ફાળવી પત્રકાર મિત્રો સાથે મુલાકાત કરી હતી.
અંતમાં કાલાવડના પત્રકારોએ સાંસદ પુનમબેન માડમ પ્રત્યે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેમની આ પહેલથી પત્રકારોને રાષ્ટ્રીય સ્તરની લોકશાહી વ્યવસ્થાને નજીકથી સમજવાની અને સંસદીય પરંપરાઓ અંગે જ્ઞાન વધારવાની ઉત્તમ તક મળી છે.

Back to top button
error: Content is protected !!