DHROLJAMNAGAR

BJP MLAના દીકરાએ લીધો PM આવાસ યોજનાનો લાભ !!!

ગરીબી રેખા આવતા અને આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા પરિવારોને પોતાનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે. ઘણી વખત PM આવાસ યોજનાને લઈને છબરડા સામે આવતા હોય છે, ત્યારે જામનગરના ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાએ PM આવાસ યોજનાનો લાભ લીધો હોવાનો RTI (માહિતી અધિકાર) અરજીમાં મોટો ખુલાસો થયો છે. ધારાસભ્યના પુત્રને PM આવાસ યોજનાનો લાભ મળતા વિવાદ સર્જાયો છે અને જામનગરમાં રાજકારણ ગરમાયું છે, ત્યારે સમગ્ર મામલે ધારાસભ્યએ વાત સ્વીકારી છે. MLAના પુત્રએ લાભ મેળવ્યો હોવાના પુરાવા પણ સામે આવ્યા છે.

RTIની માહિતી મુજબ, ધ્રોલના 76-કાલાવડ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિત દ્વારા ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના(PMAY) માંથી સહાય મેળવીને પોતાનું મકાન બાંધવાનું કામ પણ શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાએ ભાજપના વધુ એક ધારાસભ્ય પુત્રને વિવાદમાં લાવી દીધો છે અને ‘કયા નિયમો અનુસાર આ લાભ લેવામાં આવ્યો છે?’ તેવા અનેક સવાલો ઉભા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોહિત ચાવડા એક લક્ઝુરિયસ જીવનશૈલી જીવે છે, ત્યારે તેમણે ગરીબો અને મધ્યમ વર્ગ માટેની આવાસ યોજનાનો લાભ લેતા અનેક ભ્રમણાઓ અને પ્રશ્નાર્થ ઊભા થયા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમો અનુસાર, આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબમાં કોઈપણ સભ્ય ભારતભરમાં કોઈપણ જગ્યાએ પોતાની માલિકીનું પાક્કું મકાન ધરાવતો ન હોવો જોઈએ. આ ઉપરાંત, વાર્ષિક આવક મર્યાદા રૂ.3 લાખ નિર્ધારિત કરવામાં આવી છે. ત્યારે એક ધારાસભ્યના પુત્ર દ્વારા આ યોજનાનો લાભ કયા આધાર પર લેવામાં આવ્યો તે મોટો પ્રશ્ન છે. સામાન્ય ગરીબ લોકોને આવાસ યોજનામાં લાભ લેવા માટે અનેક દસ્તાવેજો રજૂ કરવા પડે છે અને સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે, ત્યારે ‘શું ધારાસભ્યના પુત્રને આવાસમાં લાભ લેવા માટે કોઈ નીતિ-નિયમો લાગુ પડતા નથી?’ તેવો સવાલ આમ જનતામાં ઉઠી રહ્યા છે.

આ મુદ્દે કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટરે આ બાબતની સઘન તપાસ કરવામાં આવે તેવી માગ કરી છે. આ ઘટનાએ ભાજપ સરકારની પારદર્શિતા અને ગરીબલક્ષી યોજનાઓના અમલીકરણ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હવે જોવું રહ્યું કે, આ મામલે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.

જામનગરના ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાએ ગરીબોનો હક છીનવ્યો હોવાની ચર્ચાઓ ઉઠી છે. PM આવાસ યોજના એ પાકું મકાન ન ધરાવતા અને આર્થિક રીતે પછાત નાગરિકોને ધ્યાને લઈને તેમની સહાય માટે બનાવવામાં આવેલી યોજના છે. કોઇપણ પ્રકારની ગેરરીતિ સામે સરકાર તથા તંત્ર કેવી કાર્યવાહી કરે છે, તેની હવે અસરકારક પરીક્ષા થશે.

Back to top button
error: Content is protected !!