બટન સેલ ગળી ગયેલા પાંચ મહિનાના બાળકનો સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા સફળ બચાવ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગે ફરી એકવાર સમયસૂચકતા, કુશળતા અને તબીબી સેવાની ઉત્તમતા દર્શાવતો ઉદાહરણ રજૂ કર્યું છે. રમતમાં બટન સેલ (બેટરી) ગળી ગયેલા પાંચ મહિનાના બાળકનું જીવન જોખમમાં મુકાતાં હોસ્પિટલની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકને મોતના મુખમાંથી બહાર કાઢ્યું.
અમદાવાદના રહેવાસી રાઘવભાઈના બાળક અયાનને ગયા કેટલાક દિવસોથી સતત ખાંસી આવતી હતી. ખાનગી હોસ્પિટલમાં કરાયેલા એક્સ-રેમાં અન્નનળીમાં ગોળાકાર ફોરેન બોડી ફસાયેલી જણાતા વાલીઓએ તરત જ સિવિલ હોસ્પિટલનો આશરો લીધો. તેમને યાદ આવ્યું કે બાળક થોડાં સમય પહેલાં બટન સેલ સાથે રમતો હતો.
સિવિલ હોસ્પિટલના ENT વિભાગ અને બાળરોગ સર્જરી વિભાગે સ્થિતિની ગંભીરતા સમજતા જ ત્વરિત સારવાર શરૂ કરી. બાલ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીના માર્ગદર્શન હેઠળ અને ડૉ. નિરખી શાહની આગેવાનીમાં એન્ડોસ્કોપી દ્વારા અન્નનળીના ઉપરના ભાગમાં ફસાયેલો બટન સેલ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો.
બેટરીના કેમિકલના કારણે અન્નનળીમાં ચાંદા (ulcers) પડ્યા હતા, જે સમયસર સેલ દૂર ન થાય તો perforation થઈ ગંભીર પરિસ્થિતિ સર્જી શકે તેમ હતું. ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે બાળકને યોગ્ય સમયે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી ગયો અને ડોક્ટરોની ટીમે જટિલ પ્રક્રિયા સંભાળી જોખમ ટાળી લીધું.
ઓપરેશન બાદ બાળકને જરૂરી દવાઓ સાથે રજા આપવામાં આવી હતી. 15 દિવસ પછી કરાયેલી એન્ડોસ્કોપીમાં અન્નનાળી સંપૂર્ણપણે સામાન્ય જણાઈ, અને હવે અયાન મોઢેથી સામાન્ય રીતે ખોરાક લઈ રહ્યો છે.
બાળકોના વાલીઓને ચેતવણીરૂપ સંદેશ આપતા તબીબોએ જણાવ્યું કે નાના બાળકોમાં શ્વાસનળી અને અન્નનળીમાં ફોરેન બોડી જતી રહેવાના કિસ્સા સામાન્ય છે. તેથી તેમની નજીક નાની બેટરી, સિક્કા, બટન અથવા રમકડાંના નાના ભાગો રહે તે ટાળવું અને રમતી વખતે સતત નજર રાખવી અતિ આવશ્યક છે.
આ કિસ્સો ફરી એકવાર યાદ કરાવે છે કે સમયસર પહોંચેલી તબીબી મદદ અને નિષ્ણાત ડોક્ટરોનાં નિર્ણાયક પગલાં માસૂમનાં જીવન બચાવી શકે છે.





