
ઝઘડિયા જીઆઇડીસી સગીરા દુષ્કર્મનો મામલો-પોલીસે આરોપીને સાથે રાખીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું

ડીવાઇએસપી સહિત તપાસ કરતી સ્થાનિક પોલીસ અધિકારીઓની હાજરીમાં આરોપીએ ગુનાને કેવી રીતે અંજામ આપ્યો તેનું રી કન્સ્ટ્રક્શન કરી બતાવ્યું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં તાજેતરમાં એક નરાધમ દ્વારા સગીર વયની બાળા પર ક્રુરતાપુર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બની હતી, પોલીસે આ ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઇને આ મામલે સઘન કાર્યવાહી હાથ ધરી હતી. ભોગ બનનાર સગીરાની હાલત નાજુક બનતા તેને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ કોર્ટસ સમગ્ર રજૂ કરતા તેને પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા આ દરમિયાન ઝઘડિયાની સગીરા પર થયેલ દુષ્કર્મના મામલાની વિસ્તૃત તપાસ માટે આજરોજ અંકલેશ્વર નાયબ પોલીસ વડા ડો. કુશલ ઓઝા સહિત સ્થાનિક તપાસ ચલાવતી પોલીસ અધિકારીની ટીમ એલસીબી ભરૂચે આરોપીને સાથે રાખીને ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, અને આરોપીએ આ સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તેની આરોપી પાસે રી કન્સ્ટ્રક્શન કરાવીને જાણકારી મેળવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ કોર્ટ દ્વારા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, તે દરમિયાન આજરોજ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. વધુમાં મળતી વિગતો મુજબ ભોગ બનનાર સગીરાની તબિયત નાજુક હોઇ હાલ વડોદરા એસએસજી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે, અને સગીરાને સારવાર દરમિયાન ત્રણ જેટલી સર્જરી કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. સગીર વયની આ બાળા પર થયેલ દુષ્કર્મની ઘટનાને પગલે સમગ્ર જિલ્લાની જનતા હચમચી ઉઠી છે અને આરોપીને સખત સજા કરવામાં આવે તેવી માંગ કરી રહી છે.
ઈરફાનખત્રી
રાજપારડી




