GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: જસદણમાં આયોજિત સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનો ૩૦૯ દિવ્યાંગજનોએ લાભ લીધો

તા.૨૪/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૧૨૧ લાભાર્થીઓને સ્થળ પર જ નવા દિવ્યાંગતા પ્રમાણપત્ર અપાયા

Rajkot, Jasdan: રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જસદણ તાલુકાની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાંત અધિકારીશ્રી ગ્રીષ્મા રાઠવાની અધ્યક્ષતામાં દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પનો આરંભ કરાયો હતો. જેમાં અસ્થિ વિષયક ખામી, સાંભળવાની ક્ષતિ, અંધત્વ, સેરેબ્રલ પાલ્સી જેવી તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને તેમની જરૂરિયાત પ્રમાણે આગામી દિવસોમાં ટ્રાયસિકલ, વ્હીલચેર, હિયરીંગ એઇડ મશીન, બેટરી બાઈક, કાંખઘોડી, સી.પી. ચેર, સ્માર્ટ ફોન, ફોલ્ડીંગ સ્ટીક વગેરે સહાયક ઉપકરણ વિનામૂલ્યે આપવા માટે દિવ્યાંગોની પસંદગી કરાઈ હતી.

આ કેમ્પનો જસદણ તાલુકાના કુલ ૩૦૯ દિવ્યાંગજનોએ લાભ લીધો હતો. કેમ્પમાં દિવ્યાંગોના આરોગ્ય પરીક્ષણ બાદ ૨૭ લાભાર્થીઓને મોટા્રાઈઝ બેટરી બાઈક, ૪૨ લાભાર્થીઓને ટ્રાયસિકલ, ૨૩ લાભાર્થીઓને વ્હીલચેર, ૧૦ લાભાર્થીઓને ટી.એલ.એમ. કીટ, ૩૬ લાભાર્થીઓને કાંખઘોડી, ૪૨ લાભાર્થીઓને વોકિંગ સ્ટિક, ૮ લાભાર્થીઓને હિયરિંગ એઈડ, ૧૨ લાભાર્થીઓને સુગમ્ય કેન, ૨ લાભાર્થીઓને રોલેટર, ૫ લાભાર્થીઓને વોકર, ૧ લાભાર્થીને બ્રેઈલ કીટ અને ૧૨ લાભાર્થીઓને સિલિકોન ફોમ આપવા માટે પસંદ કરાયા છે. ૧૨૧ લાભાર્થીઓને સ્થળ પર જ નવા દિવ્યાંગતા પ્રમાણપત્ર અપાયા હતા. તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા ૩૭ લાભાર્થીઓને કલ્યાણકારી યોજનાઓની સહાય મંજૂર કરાઈ છે. મહત્વનું છે કે આ કેમ્પમાં નોંધાયેલા દિવ્યાંગોને અંદાજે કુલ રૂ. ૨૫ લાખના સહાયક ઉપકરણો અપાશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારત સરકારની એડીપ યોજના અન્વયે સી.એસ.આર. (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલીટી) હેઠળ ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત એલીમ્કો કંપની તથા રતલામના એસ.આર. ટ્રસ્ટના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો.

Back to top button
error: Content is protected !!