Jasdan: જસદણ ખાતે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં આશાવર્કર બહેનો સાથે બેઠક યોજાઇ
તા.૩૦/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
“આરોગ્ય ક્ષેત્રે આશા વર્કર બહેનો પાયાના કર્મીઓ છે”- મંત્રીશ્રી કુંવરજી ભાઈ બાવળીયા
જસદણ તાલુકામાં ૭૦થી વધુ વયના ૪૧૦૦ જેટલા વરિષ્ઠ નાગરિકોને “આયુષ્માન વયવંદના કાર્ડ” અપાયા
Rajkot, Jasdan: જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ પ્રાંત કચેરી ખાતે આશા વર્કર બહેનો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીશ્રીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે વધુને વધુ લોકોને “આયુષ્માન વય વંદના કાર્ડ” મળે તે માટે થયેલી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી હતી.
આ બેઠકમાં મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ આશા વર્કર બહેનોને સંબોધતા જણાવ્યું કે, જસદણ તાલુકામાં લોકોને મોટા શહેરોમાં જવું ન પડે તે માટે આરોગ્યલક્ષી વિવિધ સુવિધાઓ ઉભી કરાઈ છે. જે અન્વયે વિવિધ વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્રના બાંધકામ, રીપેરીંગ અને અદ્યતન સુવિધાઓ મળી રહે તેવા પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા છે. જેના પરિણામરૂપે આજે જસદણ તાલુકામાં માતા મૃત્યુ દર ઓછો થયો છે. આરોગ્ય ક્ષેત્રે આશા વર્કર બહેનો પાયાના કર્મીઓ છે, જે ગામડે-ગામડે લોકો સુધી પહોંચીને આરોગ્યલક્ષી સરકારશ્રીની તમામ યોજનાની માહિતી આપે છે. ઉપરાંત, વધુને વધુ લોકો આયુષ્માન કાર્ડ કઢાવે તેમ આશા વર્કર બહેનોને અપીલ કરી હતી. વધુમાં, મંત્રીશ્રીએ આશા વર્કર બહેનોની રજૂઆતને સાંભળી યોગ્ય નિરાકરણ કર્યું હતું.
આરોગ્ય વિભાગના અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, સામાજિક અને આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર ૭૦ કે તેથી વધુ વર્ષની વયના તાલુકાના વરિષ્ઠ નાગરિકો “આયુષ્માન વય વંદના કાર્ડ” યોજના અન્વયે મફત સારવાર મેળવી શકશે. વધુમાં તેઓએ આશા વર્કર બહેનોને નમોશ્રી, જનની સુરક્ષા યોજના અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના સહિતની યોજનાથી માહિતગાર કર્યા હતા. જસદણ તાલુકામાં કુલ ૪૧૪૧ લોકોના આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા છે.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી ગ્રીષ્માબેન રાઠવા, જસદણ મામલતદારશ્રી એમ.ડી.દવે, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહીત ૫૦ જેટલી આશા વર્કર બહેનો ઉપસ્થિત રહી હતી.