GUJARATJASDALRAJKOT CITY / TALUKO

Jasdan: જસદણ તાલુકાના માધવીપુર, વડોદ અને ગોડલાધાર ગામોમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો

તા.૨૭/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સરકારી શાળાઓના ચોગાનમાં વરસાદી અમીછાંટણા સાથે ૨૫૦ ભૂલકાંઓની પા.. પા.. પગલી..

શૈક્ષણિક કીટ અને ઇનામોનું વિતરણ તેમજ વૃક્ષોનું વાવેતર કરાયું : સહાયક માહિતી નિયામકશ્રી પારુલબેન આડેસરા અને મામલતદારશ્રી એન. સી. વ્યાસની પ્રેરક ઉપસ્થિતિ

Rajkot, Jasdan: હાલમાં ‘ઊજવણી ઉલ્લાસમય શિક્ષણની..’ના ધ્યેય સાથે ગુજરાતભરમાં બાળકોના સર્વાંગી વિકાસ અને સુવર્ણ ભવિષ્ય માટે ઉત્તમ શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આ મહોત્સવની ૨૧મી કડીના બીજા દિવસે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના માધવીપુર ગામ, વડોદ ગામ અને ગોડલાધાર ગામમાં સહાયક માહિતી નિયામકશ્રી પારુલબેન આડેસરાના અધ્યક્ષસ્થાને તથા મામલતદારશ્રી એન. સી. વ્યાસની વિશેષ ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.

આ વેળાએ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતાં સહાયક માહિતી નિયામકશ્રી પારુલબેન આડેસરા એ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ એ વિદ્યાર્થીઓના જીવન ઘડતરનું પ્રથમ સોપાન છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જેના પગલે શાળાઓમાં આ વર્ષે પણ ભૂલકાંઓને હરખભેર આવકારવામાં આવી રહ્યાં છે. ત્યારે બાળકોએ અભ્યાસની સાથેસાથે જિજ્ઞાસાવૃત્તિ કેળવીને ટેકનોસેવ્વી બનવું જોઈએ. જે માટે ‘ભાર વિનાના ભણતર’ સૂત્રને સાર્થક કરવા અભ્યાસની સાથેસાથે ઇતર પ્રવૃત્તિઓ અને સાનુકૂળ વાતાવરણ પૂરું પાડવું આવશ્યક છે. વધુમાં, તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્યમાં કન્યા શિક્ષણને વેગ આપ્યો છે. તેમના સફળ પ્રયાસોને પરિણામે દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરતી થઈ છે. એટલું જ નહીં, ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયોમાં પણ ઘટાડો લાવી શકાયો છે. આમ, ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના પરિણામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ છે.

આ તકે મામલતદારશ્રી એન. સી. વ્યાસ એ જણાવ્યું હતું કે અહીં કાર્યક્રમોમાં જોવા મળી રહેલી દીકરીઓની બહોળા પ્રમાણમાં સહભાગીતા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાનની સાર્થકતા ગણી શકાય. તેમજ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોમાં પ્રગટાવેલી શિક્ષણની ચિનગારી ભવિષ્યમાં તેમની સફળ કારકિર્દીરૂપે મશાલ બની રહેશે, જે ખુશીની વાત છે.

માધવીપુર પ્રાથમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં બાલવાટિકામાં ૧ દિવ્યાંગ સહિત ૬ કુમારો અને ૬ કન્યાઓ મળીને ૧૨ બાળકો તથા ધો. ૧માં ૧૨ કુમારો અને ૬ કન્યાઓ મળીને ૧૮ બાળકો સહિત કુલ ૩૦ બાળકોને પ્રવેશ અપાયો હતો. મહાનુભાવોના હસ્તે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત જ્ઞાનકુંજ વર્ગખંડ અને કોમ્પ્યુટર લેબનું ઉદ્દઘાટન કરાયું હતું અને આંગણવાડીમાં બાળકોને યુનિફોર્મનું વિતરણ કરાયું હતું.

આ ઉપરાંત, પ્રકૃતિની ગોદમાં આવેલી કલાત્મક સુશોભનથી સજ્જ અને શૈક્ષણિક સુવિધાયુક્ત એવી વડોદ તાલુકા શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં વડોદ તાલુકા શાળા, વડોદ સીમ-૧ શાળા અને વડોદ સીમ-૨ શાળાની બાલવાટિકામાં ૨૪ કુમારો અને ૨૧ કન્યાઓ મળીને ૪૫ બાળકો તથા ધો. ૧માં ૨૮ કુમારો અને ૨૫ કન્યાઓ મળીને ૫૩ બાળકો, આ રીતે કુલ ૯૮ બાળકોને પ્રવેશ અપાયો હતો.

વધુમાં, ગોડલાધાર પ્રાથમિક શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં વરસાદી અમીછાંટણા સાથે બાલવાટિકામાં ૨૫ કુમારો અને ૨૦ કન્યાઓ મળીને ૪૫ બાળકો તથા ધો. ૧માં ૨૦ કુમારો અને ૨૩ કન્યાઓ મળીને ૪૩ બાળકો, આ રીતે કુલ ૮૮ બાળકોને પ્રવેશ અપાયો હતો. તેમજ માધવીપુર માધ્યમિક શાળામાં ધો. ૯માં ૨૦ કુમાર અને ૧૪ કન્યાઓ મળીને કુલ ૩૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. આમ, ત્રણેય સરકારી શાળાઓના ચોગાનમાં વરસાદી અમીછાંટણા સાથે ૨૫૦ ભૂલકાંઓની પા.. પા.. પગલી.. થઈ હતી.

ઉલ્લેખનીય છે કે યૌગિક ક્રિયાઓ, પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કાર્યક્રમોનો આરંભ કરાયો હતો. મંચસ્થ મહાનુભાવોનું પુસ્તક આપીને સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં સૌ પ્રથમવાર નવી શિક્ષણ નીતિ – ૨૦૨૦ અંતર્ગત શાળામાં પ્રવેશ લઇ રહેલા બાળકોને શિક્ષણ કીટ અપાઈ હતી. વાર્ષિક પરીક્ષામાં અને શિષ્યવૃત્તિની પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંકે ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરાયાં હતાં. તેમજ સૌથી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓના વાલી અને દાતાઓને સન્માનિત કરાયાં હતાં. બાળકોએ વિવિધ વિષયો પર વક્તવ્ય આપ્યું હતું. શાળાઓના પટાંગણમાં વૃક્ષોનું વાવેતર કરાયું હતું. મહાનુભવોએ મધ્યાહ્ન ભોજન રસોડાનું નિરીક્ષણ કરીને તથા બેઠક યોજીને સૂચનો આપ્યા હતા.

આ કાર્યક્રમમાં સી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી સંજયભાઈ મકવાણા, આર.બી.એસ.કે. મેડિકલ ઓફિસરશ્રી ડો. રીનાબેન સાકરીયા, આઇ.સી.ડી.એસ. મુખ્ય સેવિકાશ્રી હિરલબેન ગોસ્વામી, આચાર્યશ્રીઓ પૂનમબેન વિષ્ણુ, ગિરીશભાઈ બાવળિયા, જીતેન્દ્રભાઈ બારોટ, વિશાલભાઈ પટેલ, વિજયભાઈ દેસાણી, વૈશાલીબેન ધંધુકિયા, આગેવાનશ્રી અશોકભાઈ ચાઉં, ધીરુભાઈ માનકોલીયા, જીજ્ઞેશભાઈ ચાઉં, ધનજીભાઈ કાગડીયા, લાયઝન અધિકારીશ્રી સંદીપભાઈ મહેતા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!