Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ ચિતલીયા રોડ રિસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત

તા.૫/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રોડ નિર્માણ થકી સમય, શક્તિની બચત સાથે પરિવહન સેવા વધુ સુદ્રઢ બનશે
મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot: શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાએ જસદણ પંથકમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં ભંડારીયા બોઘરાવદર રોડ પર રૂ. ૨૦૦ લાખના ખર્ચે સ્લેબ ડ્રેઇન તેમજ રૂ. ૨૦૦ લાખના ખર્ચે ચિતલીયા ખાતે જસદણ ચિતલીયા રોડ રિસરફેસિંગનું કામના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.
ચિતલીયા ખાતે ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રીશ્રીએ ઉપસ્થિત ગ્રામજનોને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પરિવહન સેવામાં સતત વધારો કરતા ગ્રામ્ય, શહેરોને જોડતા રોડ – રસ્તાઓના નિર્માણ અને નવીનીકરણની કામગીરી સતત ગતિશીલ રહી છે.
ચિતલીયાથી જસદણ જવા હયાત રોડનું રિસરફેસિંગ થતા પરિવહન સેવા વધુ સુદ્રઢ બનશે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઈમરજન્સીમાં સારવાર મેળવવા, ખેડૂતો, વેપારીઓને ખરીદી વગેરેમાં નવીનીકરણથી સમય અને શક્તિની બચત થશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ચીખલીયા અને આસપાસના ગ્રામજનોને રસ્તાની આટકોટ સાથે પણ કનેક્ટિવિટીનો લાભ મળે તેના માટે આશરે રૂ. ૩૫૦ લાખના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ તકે માર્ગ અને મકાન પંચાયત વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીએ જણાવ્યું હતું કે, જસદણ ખેતલીયા રોડ રિસરફેસિંગ કામગીરી ત્રણ લેયરમાં કરવામાં આવશે. રસ્તામાં આવતી ગોળાઈને વાઇડ કરવી, જરૂરિયાત હોય તે જગ્યાએ પાઇપવાળા નાળા, ચિતલીયા ગામમાં ૧૦૦ મીટર સીસી રોડ, પ્રોટેકશન વોલ અને રસ્તાની બંને બાજુ સાઈડ શોલ્ડરમાં પણ કરવામાં આવશે.
આ તકે જસદણ મામલતદાર શ્રી આઈ.જી. ઝાલાએ જસદણ તાલુકામાં રાજ્યમાં સૌથી વધુ આરોગ્ય કેન્દ્રના નિર્માણ થકી આરોગ્ય સેવા, સૌની યોજનાથી પાણીની સહીત શ્રેષ્ઠ સેવાઓ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. વધુમાં મંત્રીશ્રીના માર્ગદર્શનથી મતદાર યાદી અપડેટશનની કામગીરી પણ શ્રેષ્ઠ રહી હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે ગામના સરપંચ શ્રી અશોક બથવાર, નગરપાલિકા પ્રમુખ જીતેન્દ્રભાઈ છાપાણી, તાલુકા પ્રતિનિધિશ્રી મનસુખભાઈ જાદવ, પૂર્વ તાલુકા પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.







