દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર, 5 ફેબ્રુઆરીએ એકજ તબક્કામાં ચૂંટણી યોજાશે, 8 ફેબ્રુઆરીએ પરિણામ

દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવા માટે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે,દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં મતદાન યોજાશે. 8 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. ઉમેદવારો માટે નોમિનેશન ફોર્મ 10 જાન્યુઆરીથી મળવાના શરૂ થશે. દિલ્હીમાં ચૂંટણીપંચે ચૂંટણીની જાહેરાત કરતાંની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીની સાથે સાથે પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશની મિલ્કીપુર સીટ પર 5મી ફેબ્રુઆરીએ પેટાચૂંટણી યોજાશે જ્યારે પરિણામ 8મી ફેબ્રુઆરીએ આવશે. તામિલનાડુની ઈરોડ સીટ પર પણ 5 ફેબ્રુઆરીએ પેટાચૂંટણી યોજાશે. બર્ફીલા વાતાવરણને કારણે જમ્મુ-કાશ્મીરના બડગામ અને નગરોટામાં પછીથી ચૂંટણી યોજાશે.
મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું કે, આપણે લોકશાહીમાં ભાગીદારી વધારતા રહેવું જોઈએ. યુવાનોએ લોકશાહીમાં ભાગીદારી વધારવી જોઈએ. વર્ષ 2024 ચૂંટણીનું વર્ષ રહ્યું છે. અનેક ચૂંટણીઓ વિના વિઘ્ને પૂરી પાડી છે. લોકસભા ચૂંટણીમાં નવો રેકોર્ડ બન્યો છે. હું આશા રાખું છું કે આવનારા સમયમાં લોકશાહી મજબૂત થતી રહેશે.
રાજીવ કુમારે કહ્યું કે, ચૂંટણીના પરિણામો બાદ ઈવીએમ પર આક્ષેપો થાય છે. આનાથી યુવાઓમાં ખોટી આશંકા પેદા થાય છે. યુવા મતદાતાઓ ચૂંટણીથી દૂર રહે છે. જણાવી દઈએ કે, ચૂંટણીના સાત-આઠ દિવસ પહેલા ઈવીએમ તૈયાર થઈ જાય છે. એજન્ટની સામે ઈવીએમ સીલ કરવામાં આવે છે. મતદાન બાદ ઈવીએમ સીલ કરવામાં આવે છે. ઈવીએમમાં ગેરકાનૂની મત હોવાની કોઈ શક્યતા નથી. ઈવીએમની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે.ચૂંટણીમાં પારદર્શિતા અમારી પ્રાથમિકતા છે. ન્યૂઝ ચેનલો સાંજના આંકડા જાહેર કરી દે છે. પરંતુ સચોટ આંકડા જાહેર થવામાં વાર લાગે છે.
દિલ્હીમાં 13 હજારથી વધુ પોલિંગ બૂથ પર ચૂંટણી યોજાશે. 85 વર્ષથી મોટી ઉંમરના લોકો ઘરેથી વોટ આપી શકશે.
દિલ્હીમાં 1,55,24,858 મતદાતાઓ છે. દિવ્યાંગો અને વૃદ્ધો માટે પોલિંગ બૂથ ઉપર ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. દિલ્હીમાં 83.49 ટકા પુરુષ મતદાતાઓ છે. કોઈ ઉમેદવારનો ક્રિમિનલ રેકોર્ડ હશે તો તેને ન્યૂઝ પેપરમાં જાહેર કરવો પડશે.
નવા વર્ષમાં પહેલીવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે. દિલ્હી એક એવી જગ્યા છે જ્યાં તમામ પ્રકારનું કલ્ચર જોવા મળે છે. વિવિધ સંસ્કૃતિના લોકો જોવા મળે છે. લોકોને વધુને વધુ મતદાન કરવા ણાટે અપીલ છે. 2024નું વર્ષ ચૂંટણી વર્ષ રહ્યું. લોકસભામાં મતદાનમાં નવા રેકોર્ડ બનાવ્યા. હિંસામુક્ત ચુંટણી કરાવી છે. ચૂંટણી પંચે નિષ્પક્ષતાથી પોતાની ફરજો બજાવી છે. કોઈ ખોટા સમાચાર ના ફેલાવો. ઈવીએમ મુદ્દે ખોટી શંકા ના વાવો. શંકાની કોઈ દવા નથી.
આ પહેલા સોમવારે (છઠ્ઠી જાન્યુઆરી) ચૂંટણી પંચે અંતિમ મતદાર યાદી જાહેર કરી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ વખતે દિલ્હીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા 83,49,645 છે. જ્યારે મહિલા મતદારોની સંખ્યા 71,73,952 છે. જ્યારે થર્ડ જેન્ડરની સંખ્યા 1,261 છે.
દિલ્હીમાં કેટલા મતદારો વધ્યા?
દિલ્હીમાં વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં મતદારોની સંખ્યામાં 7.26 લાખ અને 2024ની લોકસભા ચૂંટણીની સરખામણીમાં 3.10 લાખનો વધારો થયો છે. 2020ની ચૂંટણી સમયે દિલ્હીમાં 1.47 કરોડ મતદારો હતા, જ્યારે ગયા વર્ષની લોકસભા ચૂંટણી સમયે દિલ્હીમાં મતદારોની સંખ્યા 1.52 કરોડથી વધુ હતી.
દિલ્હીમાં AAPની સરકાર
દિલ્હીમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 70માંથી 60થી વધુ બેઠક જીતીને સરકાર બનાવી રહી છે. 2015ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 બેઠક જીતી હતી. દિલ્હીના ઇતિહાસમાં આ પ્રથમ વખત હતું જ્યારે કોઇ પાર્ટીએ આટલી બેઠક જીતી હતી.બીજી તરફ 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 બેઠક પર જીત મળી હતી. ભાજપે 8 બેઠક જીતી હતી જ્યારે કોંગ્રેસ બે ચૂંટણીમાં એક પણ બેઠક જીતી શકી નથી.




