Jasdan: જસદણમાં શેરી નાટક અને ભવાઈથી સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું
તા.૨૦/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
નગરપાલિકા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા અંગેનું વિશેષ જનજાગૃતિ અભિયાન
Rajkot, Jasdan: ‘‘ભાઈઓ-બહેનો.. ભીનો કચરો મને આપો, સૂકો કચરો મને આપો…’’ આ શબ્દો બોલે છે લીલી અને બ્લુ રંગની ડસ્ટ બિન. ગ્રામજનો સાદી સરળ ભાષામાં કચરાનું વર્ગીકરણ સમજી શકે તે માટે નગરપાલિકા દ્વારા શેરી નાટકો અને ભવાઈ દ્વારા પરંપરાગત રીતે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.
‘આપણું ગામ સ્વચ્છ ગામ’ ની સફાઇ ઝૂંબેશ સાથે તમામ લોકોના સાથ સહયોગથી આપણે સ્વચ્છતાને જીવનનો એક ભાગ બનાવીએ તે નેમ સાથે આ નાટકો અને ભવાઈ જસદણમાં ભજવાઈ રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેદ્ર મોદીએ સ્વચ્છ ભારત મિશન ને જનજન સુધી પહોંચાડવા હાકલ કરી છે, જેને રાજ્યમાં ઉત્સાહભેર વધાવી એક ઝુંબેશ સ્વરૂપે સ્વચ્છતા અંગે જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે.
જસદણમાં વ્યાપક સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. શાળા,કોલેજ, બાગ બગીચા સહીત વિવિધ વિસ્તરમાં જેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. આ પ્રકારે સમગ્ર જિલ્લા અને તાલુકામાં કલેકટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારીની સૂચના મુજબ અવિરત કામગીરી ચાલી રહી છે.