GUJARATJASDALRAJKOTRAJKOT CITY / TALUKO

Jasdan: જસદણ પંથકમાં પાક નુકસાનીનો તાત્કાલિક સર્વે થતા ખેડૂતોમાં સંતોષની લાગણી

તા.5/11/2025

વાત્સલયમ્ સમાચાર

કુદરત રૂઠી, પણ સરકારે સમયસર સધિયારો આપી ખેડૂતોને હિંમત આપવા બદલ મુખ્યમંત્રીશ્રીનો ખુબ ખુબ આભાર – વીરપરના ખેડૂત લવજીભાઈ સોલંકી

Rajkot, Jasdan: પાછલા દિવસોમાં રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ઉભા પાક્માં થયેલ વ્યાપક નુકશાનીને ધ્યાને લઈ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો પ્રત્યે સંવેદના દાખવી રાજ્યમાં કૃષિ પાકોને થયેલી નુકસાનીનો તાત્કાલિક સર્વે શરૂ કરી દેવા સૂચના આપી હતી. જે મુજબ રાજકોટ જિલ્લામાં સર્વેની કામગીરી સઘન રીતે ચાલી રહી છે, ત્યારે જસદણ પંથકમાં પણ પાક નુકસાનીની કામગીરી અગ્રતા ધોરણે પૂર્ણ કરવામાં આવી હોવા અંગે અહીંના ખેડૂતોએ સંતોષની લાગણી વ્યક્ત કરી છે.

ખેતીવાડી વિભાગ દ્વારા જુદી જુદી ટીમો બનાવી સર્વે અને રોજકામની કામગીરી કરવામાં આવી છે. ત્યારે જસદણ પંથકમાં વિસ્તરણ અધિકારીશ્રીના દિશાનિર્દેશનમાં ગ્રામ સેવકશ્રીઓ દ્વારા ખેતરે-ખેતરે જઈ ખેડૂતો સાથે નુકસાની અંગે પરામર્શ કરવામાં આવી રહ્યો છે.

જસદણ તાલુકાના બોઘરાવદરના ગ્રામ સેવકશ્રી સંજયભાઈ જેતાનીએ જણાવ્યું હતું કે સરકારશ્રીની સૂચના બાદ ગત રોજ વીરપર, બોઘરાવદર, રણજિતગઢ, રાણીંગપર, ભાડલા, વેરાવળ ભાડલા, ગઢડીયા, માધવીપુર વગેરે ગામમાં સર્વે કામગીરી તેમજ રોજકામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. ગ્રામજનો દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હોવાનું જણાવી સરકારશ્રી દ્વારા લેવામાં આવેલા પગલાંને ખેડૂતોએ આવકાર્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું.

આ તકે વીરપર ગામના ખેડૂતશ્રી લવજીભાઈ સોલંકીએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા જણાવ્યું હતું કે, કુદરત આ વર્ષે રૂઠી છે, છેલ્લા કેટલાય દિવસથી માવઠાને કારણે વરસાદ આવતા અમારો બે એકરની મગફળીનો પાક ધોવાઈ ગયો છે. કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ પણ ખેડૂતો સાથે રહી સરકારશ્રીને નુકસાની અંગે જાણકારી આપી હતી. સરકારે અમારી મુશ્ક્લી સમજી અમારી પ્રત્યે સંવેદના દર્શાવી અમને નુકશાનીનું વળતર આપવા જે નિર્ણય કર્યો છે તે અમારા જેવા ખેડૂતો માટે મોટું આશ્વાસન છે. ગઈ કાલે જ અમારા ગામમાં સર્વે કરવામાં આવ્યો છે. સરકાર અમને જે ટેકો રાહત આપશે તેનાથી અમે સંતુષ્ટ છીએ તેમ ખેડૂતશ્રી લવજીભાઈએ જણાવ્યું છે. ગામના યુવા ખેડૂત શ્રી અજયભાઇએ પણ સર્વે અને સરકારની ખેડૂત માટેની લાગણી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

રણજિતગઢના ખેડૂતશ્રી ગોકળભાઇ વેલજીભાઇ સોલંકીએ કમોસમી વરસાદ બાદ ઘાસચારો, સોયાબીન સહીત મગફળીના પાકમાં થયેલી નુકશાની અંગે માહિતી આપતાં કહ્યું હતું કે, અમારા ગામમાં સર્વે કરવામાં આવ્યો છે. મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાએ રૂબરૂ ખેતરોની મુલાકત લઈ ખેડૂતોને સાંત્વના પાઠવી હતી. શ્રી ગોકળભાઇએ સરકારશ્રી દ્વારા લેવામાં આવેલા રાહતના પગલાની સરાહના કરી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખાસ આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!