
તા.૧૭/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
બાલા હનુમાન મંદિરના પટાંગણમાં જન્મદાત્રીની સ્મૃતિરૂપે વૃક્ષારોપણ કરતા સાંસદશ્રી પરશોત્તમભાઈ રૂપાલા અને રામભાઈ મોકરીયા
જસદણ-વીંછિયા પંથકમાં ચાલુ વર્ષે આશરે એક લાખ રોપાઓના વાવેતરના લક્ષ્યાંક સામે ૩૨ હજાર રોપાઓનું વાવેતર થયું
Rajkot, Jasdan: પર્યાવરણ જતન અને વાતાવરણ શુદ્ધિ માટે વૃક્ષોનું પ્રદાન અમૂલ્ય છે. જેને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ‘એક પેડ માં કે નામ’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જસદણ તાલુકાના વીરનગર ગામે રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે સાંસદશ્રી પરશોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં અને સાંસદશ્રી રામભાઈ મોકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ વેળાએ સાંસદશ્રી પરશોત્તમભાઈ રૂપાલા એ ગ્રામજનોને ‘એક વૃક્ષ માતાના નામે’ અભિયાનમાં સહભાગી થવાનું આહવાન કરતા જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વૈશ્વિક ફલક પર વૃક્ષારોપણની ભાવવાહી અપીલ કરવામાં આવી છે. ત્યારે આંખોની સારવાર માટે સુપ્રસિદ્ધ એવું વીરનગર ગામ ભવિષ્યમાં હરિયાળાં ગામ તરીકે ઓળખાય તેની જવાબદારી ગામલોકોની છે. ધરતીને લીલીછમ બનાવવા માત્ર રોપાઓનું વાવેતર જ નહીં પરંતુ વૃક્ષોનો ઉછેર કરવો અને જતન કરવું પણ એટલું જ આવશ્યક છે. ત્યારે ગામલોકો માતા સાથે મળીને અથવા સદગત માતાની યાદમાં અઢળક વૃક્ષો વાવીને આ અભિયાનને વ્યાપક પ્રતિસાદ આપશે, તેવો વિશ્વાસ છે.
આ તકે મહાનુભાવોના હસ્તે પ્રતીકરૂપે પાંચ ગામજનોને રોપાઓનું વિતરણ કરાયું હતું. તેમજ તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરીને પુષ્પહાર અર્પણ કર્યા હતા. અંતે સાંસદશ્રીઓએ બાલા હનુમાનજી મંદિરના પટાંગણમાં જન્મદાત્રીની સ્મૃતિરૂપે વડીલ બહેનો સાથે મળીને વૃક્ષોનું વાવેતર કર્યું હતું અને હનુમાનજીના દર્શન કર્યા હતા. મહાનુભવોએ નિર્દોષાનંદ સ્વામી આશ્રમની મુલાકાત લઈને શ્રી વિશ્વનાથ મહાદેવજીની આરતી ઉતારી હતી.
આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્યથી કરાયો હતો. કુમકુમ તિલક અને પુષ્પગુચ્છથી મહાનુભવોનું સ્વાગત કરાયું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ. કે. વસ્તાણી એ શાબ્દિક અભિવાદન તેમજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવીણાબેન રંગાણી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. નવનાથ ગવ્હાણે એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે જસદણ-વીંછિયા પંથકમાં ચાલુ વર્ષે આશરે એક લાખ રોપાઓનું વાવેતર કરવાનો ધ્યેય છે, જે પૈકી અત્યાર સુધીમાં અંદાજે ૩૨ હજાર રોપાઓનું વાવેતર થઈ ચૂક્યું છે.
આ કાર્યક્રમમાં મામલતદારશ્રી એમ. ડી. દવે, તાલુકા રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી આર. એસ. રાઠવા, જસદણ તાલુકા વિકાસ અધિકારીશ્રી કરશનભાઈ ચુડાસમા, જિલ્લા આજીવિકા મિશન અધિકારીશ્રી વી. બી. બસિયા સહિતના અધિકારીઓ અને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેનશ્રી ગોરધનભાઈ ધામેલીયાના સહિતના દૂધ મંડળીઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.





