Jasdan: જસદણ તાલુકાના ગોડલાધાર ગામ ખાતે રૂ. ૩.૩૦ કરોડના ખર્ચ બનેલી માધ્યમિક શાળાનું લોકાર્પણ

તા.૧૧/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
મંત્રીશ્રીએ સ્વાગત ગીત રજૂ કરતી બાળાઓને બિરદાવી : ‘એક વૃક્ષ માતાના નામે’ અભિયાનમાં જોડાવવાનો મંત્રીશ્રીનો અનુરોધ
આ શાળાના નિર્માણથી હવે સોમપીપળીયા, માધવીપુર, વડોદ, કાળાસર સહિતના આજુબાજુના ગામોના વિદ્યાર્થીઓને સરળતા રહેશે
Rajkot, Jasdan: ગુજરાત સરકાર જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના ગોડલાધાર ગામ ખાતે રૂ. ૩.૩૦ કરોડના ખર્ચે નવનિર્મિત સરકારી માધ્યમિક શાળાનું લોકાર્પણ કરાયું હતું.
આ તકે કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં આ શાળાનું ખાતમુહૂર્ત કર્યા બાદ આજે લોકાર્પણનો અવસર સાંપડ્યો, એ મારું સદભાગ્ય છે. ગુણવત્તાભર્યું શિક્ષણ એ ચારિત્ર્યનું ઘડતર અને સંસ્કારોનું સિંચન કરે છે. તેથી, ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અર્થે સતત ચિંતિત છે. વિદ્યાર્થી શાળામાં પ્રવેશ મેળવે, ત્યારથી લઈને કોલેજમાં ઉચ્ચ અભ્યાસ સુધીના અભ્યાસ માટે સરકાર આર્થિક રીતે સહાયરૂપ બની રહી છે. જસદણ-વીંછિયા પંથકના વાડી વિસ્તારમાં રહેતા છેવાડાના માનવીનું બાળક પણ અશિક્ષિત ન રહી જાય, તે માટે સીમ શાળાઓ કાર્યરત છે. ત્યારે મારી નમ્ર અરજ છે કે વાલીઓ સંતાનોને ખૂબ ભણાવે-ગણાવે અને સરકારી શાળાઓમાં પ્રવેશનો આગ્રહ રાખે.
‘એક વૃક્ષ માતાના નામે’ અભિયાનમાં જોડાવવાનો અનુરોધ કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સરસ્વતીના મંદિર સમી ગોડલાધાર માધ્યમિક શાળા નવીનકોર છે, ત્યારે તેને સાચવવાની અને જાળવવાની જવાબદારી સ્ટાફ અને વિદ્યાર્થીઓની છે. એટલું જ નહીં, આ શાળાને હરિયાળી બનાવવાની નૈતિક ફરજ પણ તેમની છે. ત્યારે આપણે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ હાલમાં દેશવ્યાપી ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી બનીને માતાની સ્મૃતિમાં વૃક્ષો વાવીને તેનું જતન કરીને આ ઝુંબેશને સાર્થક બનાવીએ.
આ શાળાના પ્રાંગણમાં બાળાઓએ કુમકુમ તિલકથી મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. મહેમાનોએ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમનો આરંભ કર્યો હતો. મંત્રીશ્રીએ શાળામાં લેબોરેટરી, લાયબ્રેરી, ક્લાસ રુમનું નિરીક્ષણ કરીને આવશ્યક માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે મંત્રીશ્રીએ સ્વાગત ગીતનું નૃત્ય રજૂ કરતી વિદ્યાર્થીનીઓને બિરદાવીને ઈનામ આપ્યા હતા. કાર્યક્રમના અંતે ધો. ૯ અને ધો. ૧૦ના વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું હતું. આચાર્યશ્રી વૈશાલીબેન ધંધુકીયાએ શાબ્દિક સ્વાગત, અગ્રણીશ્રી ખોડાભાઈ ખાસિયા અને ભાવેશભાઈ વેકરીયા એ પ્રાસંગિક ઉદબોધન તેમજ કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી વિજયભાઈ દેસાણીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દીક્ષિતભાઈ પટેલ, મામલતદારશ્રી એમ. ડી. દવે, અગ્રણીશ્રીઓ અશોકભાઈ ચાઉં અને મનસુખભાઈ જાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Text Box: “ગામ નાનું પણ સુવિધા મોટી- વાત ગોડલાધાર માધ્યમિક શાળાની સવલતોની”
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગ્રામ્ય કક્ષાએ શિક્ષણનો વ્યાપ વધે તથા પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે બહારગામ ન જવું પડે, તે હેતુસર ગોડલાધાર ગામ ખાતે સરકારી માધ્યમિક શાળા બનાવવામાં આવી છે. આ ઇમારતમાં કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, લેબોરેટરી રૂમ, કોમન રૂમ, સ્ટાફ રૂમ, છ ક્લાસ રૂમ અને સિક્યુરિટી રૂમ બનાવવામાં આવ્યા છે. આ શાળાના નિર્માણ થકી ગોડલાધાર, સોમપીપળીયા, સોમપીપળીયા- સીમ, માધવીપુર, વડોદ તાલુકા, વડોદ સીમ, કાળાસર કુમાર, કાળાસર કન્યા અને કાળાસર સીમ જેવી આજુબાજુ વિસ્તારની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને ધો. ૯ અને ધો. ૧૦ના અભ્યાસમાં સરળતા રહેશે.
હાલ આ શાળામાં કુલ ૭૯ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ શાળામાં વિદ્યાર્થીઓને સરકારની નમો લક્ષ્મી, મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ, સરસ્વતી સાધના સહિતની યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. અહીં માસિક એકમ કસોટી, વિદ્યાર્થીનીઓ માટે આત્મરક્ષણ તાલીમ, ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે રાઉન્ડ ટેસ્ટ, પિરિયોડિકલ ટેસ્ટ જેવું પરિણામલક્ષી આયોજન કરવામાં આવે છે.







