
દાંતા રાજવી પરિવારના અંબાજી મંદિરના પૂજા અધિકાર રોકાયા:
કડાણામાં મામલતદારને આવેદનપત્ર આપી પરંપરા ચાલુ રાખવા રજૂઆત
અમીન કોઠારી મહીસાગર

અંબાજી મંદિર ખાતે દાંતા રાજવી પરિવારના આસો સુદ આઠમના પૂજાના અધિકાર પર કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. આ નિર્ણયના વિરોધમાં કડાણા તાલુકાના સમસ્ત સનાતન હિંદુ સમાજ દ્વારા કડાણા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે.
આ આવેદનપત્રમાં દાંતા રાજવી પરિવારની વર્ષો જૂની પરંપરાને ચાલુ રાખવા માટે રજૂઆત કરાઈ છે. કડાણાના રાજવી પરિવાર સાથે સંતરામપુરના રાજવી પરિવારે પણ આ રજૂઆતમાં સહભાગી થઈ પરંપરા જાળવી રાખવા વિનંતી કરી હતી.
હિંદુ સમાજમાં દાંતા રાજવી પરિવારનો ભવ્ય ઇતિહાસ રહેલો છે. કોર્ટના આદેશ બાદ નવરાત્રી પૂજા પર રોક લાગતા કડાણા હિંદુ સમાજ દ્વારા પૂજા ફરી શરૂ કરવા માટે આવેદન દ્વારા વિનંતી કરાઈ છે.
સંતરામપુરના રાજવી પરાજાદિત્યસિંહજી પરમારે આ અંગે જણાવ્યું હતું કે, અંબાજી મંદિરનો જે ચુકાદો આવ્યો છે, તેનાથી દાંતા મહારાજા સાહેબના અષ્ટમીના હવન કરવાના અધિકાર છીનવાઈ ગયા છે. તેઓ અંબાજીના પ્રધાન સેવક છે અને વર્ષોથી મંદિરની રક્ષા કરી છે.
તેમણે ઉમેર્યું હતું કે, તેમનાથી લોકોને કોઈ તકલીફ થતી નથી અને અષ્ટમીના દર્શન ખુલ્લા રહેતા હતા. હવનકુંડ અલગ છે, તેથી તેમને આ અધિકાર પાછા મળવા જોઈએ. અંબાજી મંદિર આસ્થાનું સ્થળ છે અને આવી પ્રાચીન જગ્યામાં ધર્મ વિરુદ્ધ કોઈ કાર્ય ન થવું જોઈએ.



