Jasdan: જસદણ ખાતે મજુર કલ્યાણ કેન્દ્રનું કરાયું લોકાર્પણ

તા.૨૪/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાના હસ્તે રૂ. ૨,૯૧,૦૦૦ના ખર્ચે જસદણની સોલીટેર સોસાયટી ખાતે નવીન મજૂર કલ્યાણ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું.
મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ પ્રસંગે જણાવ્યું હતું કે, જસદણ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસના કામો થઈ રહ્યા છે. સોલીટેર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં એક રૂમ ઉપલબ્ધ થઈ શકે જેથી સારા પ્રસંગોમાં તેનો ઉપયોગ કરી શકાય. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ મજૂર કલ્યાણ કેન્દ્રમાં મજદૂર શ્રમિકોને કામ સમયે વિરામ માટે એક પાકા બાંધકામના નાના મકાનની સુવિધા મળી રહેશે. આ કેન્દ્રમાં પંખા, લાઈટ, વાતાનુકુલન માટે બારીઓ, પાણી, શૌચાલય, બાથરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત, કેન્દ્રનું પ્રાંગણ વૃક્ષોથી ઘેરાયેલું હોવાથી શીતળ અને સ્વચ્છ વાતાવરણનો અનુભવ કરાવે છે.
આ પ્રસંગની શરૂઆત મંત્રીશ્રી દ્વારા કેન્દ્રમાં પૂજા વિધિ કરીને કરવામાં આવી હતી. મંત્રીશ્રીનું પુષ્પહાર અને શાલ ઓઢાડીને સોસાયટીના આગેવાનશ્રીઓએ સ્વાગત કર્યું હતું. ચીફ ઓફિસર શ્રી રાજુભાઇ શેખે શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ લોકાર્પણમાં જસદણના નગરપાલિકાનો સ્ટાફ, સોલીટેર સોસાયટીના આગેવાનશ્રીઓ અને રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.






