Jasdan: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા કનેસરા તથા પાટિયાળીમાં કુલ ૮.૬૧ કરોડના ખર્ચે નિર્મિત બે નવી માધ્યમિક શાળાનું લોકાર્પણ કરાયું

તા.૨/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
લોકાર્પિત માધ્યમિક શાળામાં બાળકોના જીવનનું ઘડતર થશે: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
યુવાનો નવી સ્કીલ શીખીને રોજગારદાતા બને એ માટે રાજ્ય સરકારે અભિયાન શરૂ કર્યું છે: મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા
Rajkot, Jasdan: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ આજે જસદણ તાલુકાના કનેસરા ગામ ખાતે રૂ.૪.૪૨ કરોડના ખર્ચે નિર્મિત તથા વીંછિયા તાલુકાના પાટિયાળી ગામે રૂ.૪.૧૯ કરોડના ખર્ચે નિર્મિત નવી માધ્યમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું. આ નવી શાળાઓથી વિસ્તારના બાળકોને અભ્યાસ માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ થઈ છે.
કનેસરા તથા પાટિયાળી ખાતે નવી માધ્યમિક શાળાની તકતીનું અનાવરણ કર્યા બાદ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો તેમજ બાળકોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, નવનિર્મિત આ શાળામાં ભવિષ્યની પેઢી એવા બાળકોના જીવનનું ઘડતર થશે અને તેમના પરિવારનો ઉદ્ધાર થશે.
પોતાના શાળાકીય જીવનના અનુભવો અને પાંચ – છ દાયકા પહેલાની અભ્યાસની મુશ્કેલીઓનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સામાન્ય રીતે આ વિસ્તારને પછાત ગણવામાં આવતો હતો. એ બિરુદ ભૂંસવા, પરિસ્થિતિ બદલવા અને સૌ સમાજના કલ્યાણ માટે આ વિસ્તારમાં શિક્ષણની વધુમાં વધુ સુવિધાઓ ઊભી કરવા પ્રયાસ કર્યો છે. રાજ્યમાં સૌથી વધુ સીમ શાળાઓ અને જિલ્લામાં સૌથી વધુ માધ્યમિક શાળાઓ જસદણ – વીંછિયા પંથકમાં શરૂ કરવામાં આવી છે.
બાળકો સાથે સંવાદ કરતા મંત્રીશ્રીએ તેઓને સ્વચ્છતા કેળવવા સંદેશ આપ્યો હતો. આ સાથે ઉચ્ચ શિક્ષણ લઈને ભવિષ્યમાં ઉચ્ચ અધિકારી કે ઉજ્જવળ કારકિર્દી ઘડીને સમાજને મદદરૂપ થવા પ્રેરણા આપી હતી.
સંસ્કાર, શિક્ષણ અને ચારિત્ર્યને જ સાચી મૂડી ગણાવીને મંત્રીશ્રીએ વાલીઓને અપીલ કરી હતી કે, બાળકોને સંસ્કાર સાથે શિક્ષણ આપજો. જેથી તેઓનું ભવિષ્ય ઉજ્જવળ બને.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સિંચાઈ, પાણી, રોડ-રસ્તાઓ, આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ આપ્યા બાદ આ વિસ્તારને વધુ સમૃદ્ધ બનાવવા, ઉદ્યોગ અને ધંધાઓનો વધુ વિકાસ કરવા સાથે વધુમાં વધુ યુવાનો રોજગારી મેળવતા થાય એ દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “આત્મનિર્ભર ભારત” અને “સ્કીલ ઇન્ડિયા મિશન”નો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યના યુવાનો વર્તમાન સમયમાં ઉદ્યોગો અને માર્કેટને જરૂરી એવી સ્કીલ શીખીને રોજગારી કમાતા થાય અને રોજગારદાતા બને એ માટે રાજ્ય સરકારે અભિયાન શરૂ કર્યું છે. આ માટે ઉદ્યોગોની જરૂરિયાત જાણીને આઈ.ટી.આઈ.માં નવા કોર્સ શરૂ કરવાની તૈયારીઓ છે.
જસદણ પંથકના કારીગરોની કુશળતા અંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ પંથકના બહેનો સરસ બંગડીઓ બનાવે છે, આ પંથકની હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ જાણીતી છે ત્યારે તેમની વસ્તુઓ માટે અહીં સ્થાનિક સ્તરે જ માર્કેટ ઊભી કરવા અને બહારના ખરીદદારો પણ અહીં આવતા થાય અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
નવનિર્મિત માધ્યમિક શાળાને વિદ્યાર્થીઓએ ફૂલોથી સજાવી હતી, ફૂલોની રંગોળી અને ફુલ-પાનના ઝુલતા તોરણ વિદ્યાર્થીઓનો ઉમંગ દર્શાવતા હતા.
આ અવસરે સ્કૂલના તેજસ્વી છાત્રો અને ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
જસદણના કનેસરાના કાર્યક્રમમાં શિક્ષક શ્રી રીંકલ રૈયાણીએ સ્વાગત પ્રવચન જ્યારે સ્કૂલના આચાર્ય શ્રી નિરેનભાઈ ભટ્ટીએ આભારવિધિ કરી હતી. જ્યારે પાટિયાળીમાં શિક્ષક સુશ્રી પૂજા દોંગાએ સ્વાગત પ્રવચન જ્યારે આચાર્યા સુશ્રી જયાબેન નંદાણીયાએ આભારવિધિ કરી હતી.
કનેસરામાં અગ્રણી શ્રી સંકિતભાઈ રામાણી, શ્રી ભાવેશભાઈ વેકરીયા, મોઢુકા શાળાના આચાર્ય શ્રી અભયસિંહ બારડ, જિલ્લા પ્રોજેક્ટ એન્જિનિયર શ્રી ભરતભાઈ પરમાર, જસદણ આઈ.ટી.આઈ.ના આચાર્યા સુશ્રી રીનાબેન જયારે પાટિયાળીમાં અગ્રણી શ્રી અશ્વિનભાઈ સાંકળીયા, વીંછિયા મામલતદાર શ્રી યુ.વી. કાનાણી, વીંછિયા માર્કેટિંગ યાર્ડના ચેરમેન શ્રી કડવાભાઈ જોગરાજીયા, સરપંચ શ્રી જેન્તીભાઈ તાવિયા, આસપાસના ગામના સરપંચો, ગ્રામજનો અને છાત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.















