Jasdan: જસદણ તાલુકાના આટકોટ ગામ ખાતે એપ્રોચ રોડનું ભૂમિપૂજન કરતાં મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.6/11/2025
વાત્સલયમ્ સમાચાર
ગુજરાત સરકાર આસ્થાના ધામ સમાન મંદિરોમાં દર્શનાર્થીઓ સરળતાથી આવી શકે, તે માટે પાકા રસ્તા બનાવવા સતત પ્રયાસરત છે : મંત્રીશ્રી
Rajkot, Jasdan: શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ તાલુકાના આટકોટ ગામ ખાતે મહાસતી લોયણ માતાના મંદિર પાસે એપ્રોચ રોડના કન્સ્ટ્રકશનનો શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરીને શુભારંભ કરાયો હતો. આ રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત રૂ. ૮૫ લાખના ખર્ચે બનાવવામાં આવશે.
આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર આસ્થાના ધામ સમાન મંદિરોમાં દર્શનાર્થીઓ સરળતાથી આવી શકે, તે માટે પાકા રસ્તા બનાવવા સતત પ્રયાસરત છે. આટકોટમાં પણ ટૂંક સમયમાં અંબા માતા મંદિર અને લોયણ માતા મંદિર નજીક પાકો રસ્તો બની જશે. તેમજ રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે આટકોટ-ચિતલીયા રોડ અને રૂ. ૦૬ કરોડના ખર્ચે આયુર્વેદ હોસ્પિટલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ચિતલીયા ગામ નજીક પુલ તૈયાર થઈ રહ્યો છે, અદ્યતન સુવિધાસભર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આમ, આટકોટ પંથક વિકસિત વિસ્તાર બને, તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમજ કમોસમી વરસાદના લીધે ખેડૂતોના માથે આવી પડેલી કપરી પરિસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ધરતીપુત્રોની પડખે છે.
આ કાર્યક્રમમાં બાળકીઓએ સામૈયું કરીને મંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. મંત્રીશ્રીએ લોયણ માતાના દર્શન કર્યા હતાં. મંત્રીશ્રીનું ફૂલહાર, પુષ્પગુચ્છ અને શાલથી અભિવાદન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કૌશિકભાઈ વેકરીયાએ કર્યું હતું. સરપંચ શ્રી કાનજીભાઈ ખોખરીયા, મામલતદાર શ્રી આઇ. જી. ઝાલા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.








