Jasdan: “શાળા પ્રવેશોત્સવ બન્યો સમાજોત્સવ” મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ કરાવ્યો ૪૦૦ બાળકોનો શાળા પ્રવેશ
તા.૨૮/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જસદણ તાલુકાના રાણીગપર, ભાડલા અને ગોખલાણા ખાતે યોજાયા કન્યા કેળવણી મહોત્સવ
Rajkot, Jasdan: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના તૃતીય દિવસે પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે રાજકોટ જિલ્લાના રાણીંગપર, ભાડલા અને ગોખલાણા ગામે યોજાયેલા કાર્યક્રમોમાં અંદાજે ૫૦૦ જેટલા બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી બાવળિયાએ બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, જસદણ-વિંછીયા વિસ્તાર અનેક વર્ષોથી પછાત વિસ્તાર તરીકે ઓળખાતો હતો, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન થકી રાજ્યમાં આંતરમાળખાકીય સુવિધાથી લઈ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ સર્જાઈ છે. રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ થકી બાળકો ઉત્સાહ સાથે જ્ઞાન યાત્રામાં જોડાય તેમજ કન્યા કેળવણી મહોત્સવ થકી દીકરીઓના અભ્યાસ અને તેમના સપનાઓને પાંખો મળે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા બાળકોને પુસ્તક,ગણવેશ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન,સાયકલ, પરિવહન વગેરેની સેવા અને સહાય આપવામાં આવે છે. આ ઉત્સવ દ્વારા મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ગુજરાતના ગામડે – ગામડે પહોંચીને શિક્ષણ વ્યવસ્થાનું નિરીક્ષણ કરે છે અને જરૂરી વ્યવસ્થા માટે આયોજન પણ હાથ ધરવામાં મદદરૂપ બને છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારની ૧૯ પ્રકારની યોજનાઓ દ્વારા બાળકોને શિક્ષણ સંબંધિત વિવિધ સહાય વ્યવસ્થાઓ આપવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા લોનથી માંડી કારકિર્દી સ્થિર થાય ત્યાં સુધીની અને દીકરીઓને આત્મનિર્ભર બનાવવા સુધીની યોજનાઓ સરકારે અમલમાં મૂકી છે.
મંત્રીશ્રીએ શિક્ષકગણને વિદ્યાર્થીઓને પોતાના બાળક સમાન માની શાળા ખાતે તેમની કાળજી લેવા જણાવ્યું હતું સાથે જ સ્થાનિકોને દીકરીઓને અભ્યાસ કરાવવા તેમજ એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સહકાર આપવા અપીલ કરી હતી.
રાણીંગપર, ભાડલા અને ગોખલાણા ખાતેની પ્રાથમિક શાળાઓ, સીમશાળાઓ અને માધ્યમિક શાળા તથા આંગણવાડીઓના સંયુક્ત કાર્યક્રમમાં આંગણવાડીમાં ૮૫, બાલવાટિકામાં ૧૩૫, ધોરણ ૧ માં ૯૮, અને ધો. ૯માં ૮૨ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના અને એન.એમ.એમ.એસ. યોજનાઓમાં મેરીટમાં સ્થાન મેળવનાર, એક થી આઠ ધોરણમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ, વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મંત્રીશ્રીના હસ્તે ગોખલાણા શાળા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં નાયબ ખેતી નિયામક શ્રી વી.પી.કોરાટ, કાર્યપાલક ઇજનેર શ્રી ગોસાઈ, જિલ્લા નિરીક્ષક શ્રી કરમુર, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સૈયદ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મનસુખભાઈ સાકરીયા, શ્રી શારદાબેન ધડુ, રાણીંગપરના સરપંચ શ્રી ભાવેશભાઈ સોમાણી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રવિભાઈ,અગ્રણી શ્રી પ્રદિપભાઈ કાકડીયા, શ્રી રવજીભાઈ સરવૈયા, શ્રી ભુરાભાઈ જસાણી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી રાહુલભાઈ, પૂર્વ ઉપસરપંચ શ્રી ખાચર, અગ્રણી શ્રી મુકેશભાઈ મેર, આગેવાન શ્રી સુરેશભાઈ, ગોખલાણાના સરપંચ શ્રી મહેશ્વરીબેન, અગ્રણી શ્રી પ્રતાપભાઈ ગીડા, દેવાભાઈ ધાપડિયા, વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તથા વાલીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બોકસ:
મંત્રી શ્રી બાવળિયાએ વાલીઓને કરી બાળકોના ચારિત્ર્ય ઘડતર માટે અપીલ: પોતાના વિદ્યાર્થી તેમજ શિક્ષક કાળના સંસ્મરણો વાગોળ્યા
મંત્રી શ્રી બાવળિયાએ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં વાલીઓને બાળકોના ચારિત્ર્ય ઘડતર પર ધ્યાન આપવા તેમજ વિશેષત: વ્યસન અને મોબાઈલથી બાળકોને દૂર રાખવા અનુરોધ કર્યો હતો. તેમણે બાળકો સાથે સંવાદ કરતા બાળકોને કારકિર્દીલક્ષી ધ્યેય પૂછ્યા હતા. સાથે તેમણે પોતાના વિદ્યાર્થીકાળના તેમજ શિક્ષક કાળના સંસ્મરણો વાગોળ્યા હતા. જેમાં કહ્યું હતું કે, વર્ષો પહેલા શાળાઓ પણ કાચા મકાનોની હતી તેમજ પરિવહનની કોઈ સુવિધા ન હતી જેના બદલે આજે સરકાર દ્વારા શાળાના અત્યાધુનિક મકાનો, પાકા રસ્તા અને દૂરથી આવતા બાળકો માટે પરિવહનની વ્યવસ્થા પણ સરકાર કરે છે ત્યારે બાળકોએ ડોક્ટર, એન્જિનિયર બનવાના પોતાના સપનાને માટે અભ્યાસ પર ધ્યાન દેવું જોઈએ.