Jasdan: જસદણ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

તા.૨૫/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણના જુના માર્કેટિંગ યાર્ડ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો હતો.
મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાએ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું કે, સરકારની વિવિધ યોજનાઓના લાભો ગ્રામ્ય નાગરિકોને એક જ સ્થળ પર મળી રહે તે માટે વિવિધ વિભાગોના સ્ટોલ તેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં છે. જેમાં તાલુકાના નાગરિકો વિવિધ લાભો મેળવી શકશે. આ કાર્યક્રમ સવારે ૯.૩૦ થી સાંજે ૫ વાગ્યા સુધી કાર્યરત રહેશે. સેવા સેતુના સ્ટોલમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ સાંજ સુધી અથવા જ્યાં સુધી લોકો આવે ત્યાં સુધી તેઓને લાગતી જરૂરી સેવાઓનું તાત્કાલિક નિરાકરણ કરવા સંબધિત વિભાગોને મંત્રીશ્રીએ સૂચના આપી હતી.
રાજય સરકારનાં પારદર્શક, સંવેદનશીલ વહીવટતંત્રને વધુને વધુ પ્રજાલક્ષી બનાવવાનાં હેતુથી નાગરિકોની વ્યકિતગત રજુઆતોનો સ્થળ પર જ નિકાલ કરવા “સેવા સેતુ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી આર.સી.શેખે શાબ્દિક સ્વાગત કર્યું હતું. અગ્રણીશ્રી સોનલબેન વાસાણીએ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું. મંત્રીશ્રી બાવળીયાએ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગતના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને લોકોના પ્રશ્નોને સાંભળીને જરૂરી માર્ગદર્શનો અને સૂચનો આપ્યા હતા.
આ પ્રસંગે આરોગ્ય, અન્ન અને નાગરિક પુરવઠા, મહેસુલ વિભાગ, આઈ.સી.ડી.એસ. અને મહિલા- બાળ વિકાસ વિભાગ, પોલીસ વિભાગ સહિતના વિભાગની ૫૬ સેવાઓના લાભો લોકોને ઘર આંગણે આપવામાં આવ્યા હતા. લોકોએ આધાર કાર્ડમાં સુધારા, રાશનકાર્ડમાં સુધારા, ઉમેરો, આયુષ્માન કાર્ડ, આવકના દાખલા જેવી સેવાઓનો વધુ લાભ લીધો હતો.
આ તકે સામાજિક અગ્રણીશ્રીઓ, સંગઠનના પ્રતિનિધિશ્રીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.






