વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૦૨ જુલાઈ : ધો-૧૨ સાયન્સ સુધીનો અભ્યાસ કરેલા અંજાર તાલુકાના નાગલપરના ખેડૂત અજયભાઇ પરષોત્તમ ટાંક ૧૦ એકરમાં પ્રાકૃતિક રીતે કૃષિ કરી રહ્યા છે. તેઓએ શાકભાજીની ખેતી કરીને જમીનના બંધારણમાં સુધારા સાથે આવકમાં પણ નોંધપાત્ર ફાયદો મેળવી રહ્યા છે. અજયભાઇ જણાવે છે કે, હું છેલ્લા ૫ વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું. મારી પાસે ૨ દેશી ગાયો છે. આત્મા યોજના દ્વારા મળેલી તાલીમ, માર્ગદર્શન તથા સાધનોની સહાયથી જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને ઘનજીવામૃત બનાવુ છું તથા ગોબર ગેસ સ્લરીનો પણ ઉપયોગ કરૂ છુ. હું આચ્છાદન અને મિક્સ પાકોનું વાવેતર કરીને ફાયદો મેળવી રહ્યો છું. ભુજ તથા શંખેશ્વર ખાતે પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવીને ખેતીમાં તેને અપનાવી રહ્યો છે. પ્રાકૃતિક ખેતીમાં હું ટામેટા, કોબીજ, રીંગણ, લીબુ, જામફળ, એપલ બોર વિગેરે પાકોનું વાવેતર કરેલ છે.વધુમાં તેઓ ઉમેરે છે કે, પ્રાકૃતિક કૃષિમાં ગુણવત્તાયુક્ત પ્રાકૃતિક પેદાશના સારા ભાવ મળે છે. જમીન ફળદ્રુપ અને બંધારણ સુધરે છે. પ્રાકૃતિક ખેતીથી આર્થિક રીતે સધ્ધર થવામાં મદદ મળે છે. . જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનમાં સૂક્ષ્મજીવો અને પોષકતત્વોનું પ્રમાણ વધ્યું છે. જમીનની ફળદ્રુપતામાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો થયો છે. ખેતરમાં રહેલા સૂકા પાંદડાં, ડાળીઓ વગેરેનું આચ્છાદાન કરવાથી જમીનની ભેજધારણ શક્તિમાં વધારો થયો છે. તેઓ જણાવે છે કે, આજના સમયમાં રાસાયણિક ખેતીના કારણે પર્યાવરણ તથા સ્વાસ્થ્યને નુકશાન થઇ રહ્યું છે ત્યારે કિસાનો જનકલ્યાણને ધ્યાને લઇને આ પ્રાકૃતિક ખેતી તરફ વળે તે જરૂરી છે.