Jasdan: ભારે વરસાદને પગલે જસદણ તાલુકાના અંદાજે ૧૫૧ લોકોનું વિવિધ જગ્યાએ સ્થળાંતર કરાયું

તા.૨૮/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: સૌરાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક ડેમ ઓવરફ્લો થવાના કારણે નીચાણવાળા વિસ્તારનું જન-જીવન ખોરવાઈ ગયું છે, તથા તેઓને સ્થળાંતરિત કરવાની ફરજ પડી છે.
આ તકે, જસદણ તાલુકાના ડેમ ઓવરફ્લો થતાં જસદણ નગરપાલિકા દ્વારા કુલ ૧૫૧ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં ૫૯ બાળકો ૪૪ મહિલાઓ અને ૪૮ પુરુષોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જસદણ નગરપાલિકાની જુના માર્કેટિંગ યાર્ડ ખાતે કુલ ૧૨૭ નાગરિકોનું સ્થળાંતર કરાયું જેમાં ૪૭ બાળકો ૩૮ મહિલાઓ અને ૪૨ પુરુષોનો સમાવેશ થયો છે. જ્યારે તાલુકા કન્યા પ્રાથમિક શાળામાં ૧૮ નાગરિકોનું તથા આંબેડકર હોલ ખાતે ૬ નાગરિકોનું સ્થળાંતર કરાયું છે.
ભારે વરસાદને કારણે જસદણ તાલુકાના ભંડારીયા ગ્રામ પંચાયત દ્વારા ગામના સ્મશાનની બાજુમાં આવેલા ચેકડેમ ઓવરફ્લો થતાં ભંડારીયા ગ્રામપંચાયત અને ગ્રામજનો દ્વારા ખેતરથી પરત થતા ખેડૂતનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સમગ્ર કામગીરીમાં જસદણ નગરપાલિકા દ્વારા નગરજનોનું સહી સલામત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આમ, પ્રાંત અધિકારી જસદણની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


