Jetpur: જેતપુર તાલુકાના જેતલસર ગામની પીડિતા માટે સંકટ સમયની સાંકળ સાબિત થતી અભયમ્ ટીમ
તા.૨૬/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પતિએ મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકેલી પત્નીને ગોંડલના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો
Rajkot, Jetpur: ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત કાર્યરત ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન રાજકોટ જિલ્લામાં વધુ એક પીડિત મહિલા માટે સંકટ સમયની સાંકળ સાબિત થઈ છે. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં પતિએ પત્નીને મારઝૂડ કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ અભયમ્ ટીમને જાણ થતાં બે દિવસથી ભટકતું જીવન ગુજારતી પીડિતાની વ્હારે ૧૮૧ અભયમની ટીમ આવી હતી.
જેતપુર શહેરમાં એક સજ્જને પીડિત મહિલાને ૧૮૧ અભયમ્ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી આપી. આશાનું એક કિરણ દેખાતાં જ પીડિતાએ અભયમ્ હેલ્પલાઇન પર કોલ કરીને મદદ માંગી. ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના અભયમ્ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી. મહિલાને સૌ પ્રથમ આશ્વાસન આપી, તેની સાથે વાતચીત ચાલુ કરી.
પીડિતાએ જણાવ્યું કે તેણે પ્રેમલગ્ન કર્યા છે. તે છેલ્લા ૧૧ વર્ષથી તેના પતિ સાથે રહે છે. સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે. પરિણીતાના પતિ અવારનવાર દારૂ પીને તેને મારઝુડ કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે. બે દિવસ અગાઉ પીડિતાને તેના પતિએ મારી, ગળું દબાવીને જીવ લેવાની ધમકી આપી, ઘરમાંથી કાઢી મૂકી. તેથી, મહિલા તેના બાળકોને લઈને ઘરેથી નીકળી ગઈ. તેણે પિયરમાં કોલ કરીને સમગ્ર સમસ્યા જણાવી. પરંતુ પીડિતાએ પ્રેમલગ્ન કર્યા હોવાથી પિયર પક્ષવાળા તેને ઘરે રાખવા માંગતા ન હતાં. તેથી, પરિણીતા બાળકો સાથે બે દિવસથી રસ્તા પર ભટકતી રહી હતી.
અભયમ્ ટીમે સમગ્ર હકીકત જાણીને પીડિતાને તેના ઘરે પરત ફરી પતિનું કાઉન્સિલિંગ કરવા અને જરૂર પડ્યે પોલીસ કાર્યવાહી વિશે સમજાવ્યું. પરંતુ આટલા ત્રાસ પછી પરિણીતાને સાસરે જવાની ઈચ્છા ન હતી. અભયમ્ ટીમે મનોસ્થિતિ સમજીને પીડિતાને ગોંડલમાં આવેલા સખી વન સ્ટોપ સેન્ટર લઈ ગયા, જ્યાં તેને સુરક્ષિત આશ્રય મળ્યો. અભયમ્ ટીમે તેને કાયદાકીય માર્ગદર્શન પણ પૂરું પાડ્યું. કપરા સમયમાં મળેલી મદદ બદલ પીડિત મહિલાએ અભયમ્ ટીમનો હૃદયપૂર્વક આભાર માન્યો. આમ, અભયમ્ ટીમે ફરી સાબિત કર્યું કે અભયમ્ યોજના પીડિત મહિલાઓ માટે સુરક્ષા કવચ છે.