મચ્છરમુક્ત અમદાવાદ માટે જીવંત જળચર સંરક્ષણ: પોરાભક્ષક માછલીઓથી મેલેરિયા પર બાયોલોજિકલ હુમલો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: મચ્છરજન્ય રોગો સામે સામે જૈવિક પદ્ધતિ દ્વારા ગુજરાતના અમદાવાદ જિલ્લામાં એક મોખરાનું ઉદાહરણ સાબિત થયું છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસ જેવી જીવલેણ બીમારીઓના નિયંત્રણ માટે હવે રસાયણોથી નહિ, પણ જીવંત પોરાભક્ષક માછલીઓથી લડાઈ લડાઈ રહી છે.
આ ક્રાંતિનો હ્રદયસ્પર્શી હિસ્સો છે — ગમ્બુશીયા અને ગપ્પી જેવી નાની માછલીઓ, જે ખાસ કરીને મચ્છરના લાર્વાનો ભક્ષણ કરે છે અને તેના જીવનચક્રને રોકી દે છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ જિલ્લામાં આ પદ્ધતિ છેલ્લા પાંચ વર્ષથી વિસ્તૃત રીતે અમલમાં લાવવામાં આવી છે, જેનાથી મચ્છરજન્ય રોગોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૨૬૪ હેચરી વિકસાવવામાં આવી છે — જેમાં ૯૭ કુદરતી તળાવો અને ૧૬૭ સ્ટોક કે નિર્મિત હેચરીનો સમાવેશ થાય છે. ૭૪૫થી વધુ સ્થળોએ પોરાભક્ષક માછલીઓ છોડી દેવાઈ છે, જેના કારણે વિસ્તારને મચ્છરમુક્ત બનાવવાનો પ્રયાસ જોરશોરથી ચાલી રહ્યો છે.
માછલીઓ પાણીમાં મચ્છરના ઈંડા નહીં પરંતુ લાર્વા ખાઈને તેમનો નાશ કરે છે. એક માછલી દરરોજ આશરે ૧૦૦થી ૩૦૦ લાર્વાનું ભક્ષણ કરી શકે છે. તેમના પ્રજનન ગતિને જોવામાં આવે તો એક માદા વર્ષમાં ચાર વખત ૨૦૦થી ૩૦૦ બચ્ચાને જન્મ આપી શકે છે, જેના કારણે મહત્ત્વપૂર્ણ તળાવો અને જળસંગ્રહ સ્થળો મચ્છરમુક્ત રહે છે.
જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર અને મેલેરિયા નિયંત્રણ અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ આ કામગીરી સિસ્ટમેટિક રીતે આગળ ધપાવવામાં આવી રહી છે. નગર અને ગ્રામ્ય વિસ્તારોમાં તળાવ, હોજ, નહેરો, ટાંકા, ખુલ્લા ખાબોચિયા વગેરેમાં ગમ્બુશીયા એફીનીસ અને ગપ્પી જેવી માછલીઓનો મુકતવિસ્તાર ઉપયોગ થતો જોવા મળે છે.
આ પદ્ધતિ ખાસ કરીને એવા વિસ્તારોમાં ખૂબ અસરકારક સાબિત થઈ છે, જ્યાં રાસાયણિક દવાઓ વાપરવી શક્ય નથી. મોટાભાગના પશુપાલક હોજ કે હવાડામાં દવા નાંખવા દેતા નથી, પરંતુ માછલીઓ મુકવાથી પશુઓના પાણીમાં કોઈ નુકસાન થતું નથી અને મચ્છરની ઉગમ સ્થિતિને નિયંત્રણમાં રાખી શકાય છે. ચોમાસામાં પાણી ભરાયેલી જગ્યાઓમાં પણ આ માછલીઓ વિધાનરૂપ સાબિત થઈ છે.
પરિણામરૂપે, ૨૩ જુલાઈ ૨૦૨૫ સુધી અમદાવાદ જિલ્લામાં મેલેરિયાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ જણાવે છે કે, “આ પગલું માત્ર મચ્છરના નિયંત્રણ માટે નહીં, પણ એક સ્વચ્છ અને મચ્છરમુક્ત સમાજના નિર્માણ માટેનો માર્ગદર્શક પ્રયોગ બની રહ્યો છે. આપણે આ માછલીઓને જળસંચય અને આરોગ્ય સુરક્ષાના રક્ષક દૂત તરીકે માને તો ખોટું નહીં ગણાય.”
બોક્સ: શું છે જૈવિક નિયંત્રણ પદ્ધતિ?
જૈવિક નિયંત્રણ એટલે કે Biological Control System એ વાત પર આધારિત છે કે કુદરત પોતે જ પોતાનો સંતુલન સાધે છે. પોરાભક્ષક માછલીઓ પાણીમાં રહેલા મચ્છરના લાર્વાનું ભક્ષણ કરે છે અને મચ્છરો પુખ્ત અવસ્થામાં પહોંચે એ પહેલાં જ નાશ પામે છે. રસાયણિક દવાઓની તુલનાએ આ પદ્ધતિ પર્યાવરણ માટે સલામત, લાંબા સમય સુધી અસરકારક અને ખર્ચઅસરકારક સાબિત થાય છે.
બોક્સ: જ્યાં કેમિકલ અશક્ય, ત્યાં માછલી શક્ય
મોટા હોજ, હવાડા અને તળાવો જ્યાં પશુઓ પાણી પીવે છે, ત્યાં માલિકો રસાયણ નાંખવા દેતા નથી. આવી જગ્યાએ પોરાભક્ષક માછલીઓ મૂકી શકાય છે. પાણી પીવા આવે ત્યારે માછલીઓ તળિયામાં જઈ છુપાઈ જાય છે અને કોઈ નુકસાન થતું નથી. ન્યુસન્સ મચ્છરો જેમ કે કરડતાં પરંતુ બીમારી ન લાવતાં મચ્છરોનું બ્રિડિંગ પણ અટકાવાય છે.
આમ, ગુજરાતનું અમદાવાદ જિલ્લો હવે પોરાભક્ષક માછલીઓના માધ્યમથી મચ્છર સામે લડતી જીવંત સેનાની આગેવાની કરતો રાજ્યમાં પહેલો જિલ્લો બની રહ્યો છે. આ પહેલ એક સમૃદ્ધ, સ્વચ્છ અને સ્વસ્થ સમાજ તરફ લઈ જતી સાચી જૈવિક ક્રાંતિ છે.









