ભરૂચમાં પાણી અને સ્ટ્રીટલાઈટના મુદ્દે મહિલાઓનો આક્રોશ: પાલિકા કચેરીનો ઘેરાવ

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરના વોર્ડ નંબર 9 અને 10માં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીનો પુરવઠો અનિયમિત રહેતા અને ત્રણ મહિનાથી સ્ટ્રીટલાઈટ બંધ રહેતા સ્થાનિક મહિલાઓએ આજે ભરૂચ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કર્યો હતો. વેજલપુર, પારસીવાડ, દલાલ સ્ટ્રીટ, ફુર્જા રોડ અને નારીયેલી બજાર જેવા વિસ્તારોમાંથી આવેલી મહિલાઓએ તેમની સમસ્યાઓ અંગે તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, પાણી અને સ્ટ્રીટલાઈટ જેવી મૂળભૂત સુવિધાઓ માટે તેમણે અનેકવાર નગરપાલિકામાં રજૂઆતો કરી હતી, છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી. આ બાબતે લોકોમાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે. વિપક્ષના નેતા અને કોર્પોરેટર શમશાદઅલી સૈયદ પણ મહિલાઓના આંદોલનમાં જોડાયા હતા અને તેમની રજૂઆતને ટેકો આપ્યો હતો. મહિલાઓના આક્રોશને પગલે નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિએ તેમને આશ્વાસન આપ્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી અને ત્રણ દિવસમાં આ સમસ્યાઓનો ઉકેલ લાવવાનું વચન આપ્યું હતું. જોકે, સ્થાનિકોએ માગણી કરી છે કે રોજિંદી આવશ્યક સુવિધાઓ માટે વારંવાર રજૂઆત કરવા છતાં કામગીરીમાં વિલંબ કરનારા અધિકારીઓ સામે કડક પગલાં લેવા જોઈએ. મહિલાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી તેમની સમસ્યાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન ચાલુ રહેશે. આ ઘટનાએ ભરૂચમાં સ્થાનિક વહીવટીતંત્રની કાર્યક્ષમતા પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.




