
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
કચ્છ,તા.24 ઓગસ્ટ : ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પધારી રહ્યા છે ત્યારે કચ્છના લોકોમાં એક વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપને હંમેશાં મજબૂત ટેકો આપનાર અને રાષ્ટ્રીય આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપનાર કચ્છને આજે પણ અનેક સમસ્યાઓ સતાવી રહી છે. આ સમસ્યાઓના વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન આવતાં હવે કચ્છને અલગ રાજ્ય બનાવવાની માંગ મજબૂત બની રહી છે. પ્રધાનમંત્રીના આગમનને અનુલક્ષીને કચ્છવાસીઓ પોતાની આ વ્યથા અને અપેક્ષાઓ નિર્દોષભાવે રજૂ કરી રહ્યા છે.
તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા શ્રી મોહન ભાગવતજીએ પણ જણાવ્યું હતું કે આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો સામાન્ય લોકોની પહોંચની બહાર છે. આ નિવેદન કચ્છની વાસ્તવિકતા સાથે સુસંગત છે અને તે પાયાના પ્રશ્નોને વધુ ગંભીરતાથી લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
શિક્ષણ અને આરોગ્યની અવગણના: પાયાના પ્રશ્નોનું નિરાકરણ ક્યારે?કચ્છના શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટેટ-ટાટ જેવી પરીક્ષાઓ કચ્છની બહાર લેવાતી હોવાથી હજારો વિદ્યાર્થીઓને અનાવશ્યક મુસાફરી અને ખર્ચ ભોગવવો પડે છે. કચ્છવાસીઓની માંગ છે કે આ પરીક્ષાઓ કચ્છમાં જ દર વર્ષે યોજાય. આ ઉપરાંત સ્થાનિક શાળાઓમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય જેથી બદલીના પ્રશ્નો ન ઉદ્ભવે અને બાળકોને તેમની પોતાની ભાષામાં શિક્ષણ મળે.
આરોગ્ય સેવાઓ પણ સતત ઉપેક્ષાનો ભોગ બની રહી છે. આરોગ્ય કેન્દ્રોમાં દવાઓ હોવા છતાં ડોક્ટર અને નર્સના અભાવે દવાઓની સમયમર્યાદા પૂરી થઈ જાય ત્યાં સુધી વપરાતી નથી. જેથી ફેંકવી પડે છે. કચ્છના દરિયાકિનારાના કાંઠાળા વિસ્તારમાં વસતા માછીમારો અને મીઠાના અગરિયાઓ જેમનું ઉત્પાદન માછલી અને મીઠું વિશ્વભરમાં નિકાસ થાય છે, તેમના અને તેમના બાળકો માટે શિક્ષણ અને આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ આજે પણ ઉપલબ્ધ નથી. કાંઠાળા વિસ્તારોમાં ચાલતા મોબાઈલ આરોગ્ય વાહનો પણ બંધ થઈ જતાં આ લોકો આરોગ્ય સેવાથી વંચિત છે. વર્ષો પહેલાં ચાલતા પ્રસૂતિ કેન્દ્રો બંધ થવાથી પ્રાઇવેટ હોસ્પિટલનો ખર્ચો ન પોસાતા ઘરે સુવાવડ કરવામાં આવે છે જેના કારણે માતા અને બાળ મૃત્યુના બનાવો વધવા પામ્યા છે, જેથી કચ્છની જનતાની માંગ છે કે તમામ આરોગ્ય કેન્દ્રોમાં પ્રસૂતિ સેવાઓ તાત્કાલિક શરૂ કરવામાં આવે. અન્યથા લોકોના ખર્ચે તૈયાર કરવામાં આવેલ બિલ્ડીંગોનો કોઈ અર્થ રહેતો નથી. તાજેતરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ફાળવેલા વાહનો પાછા ખેંચી લેવાતા દુર્ગમ ગામડાઓમાં આરોગ્ય સેવા પહોંચાડવી મુશ્કેલ બની છે. એમ્બ્યુલન્સ સેવા બંધ થવાથી દવાઓ અને રસીઓ ખુલ્લામાં લઈ જવામાં આવે છે, જે તેની ગુણવત્તાને અસર કરે છે.
રોજગાર, પર્યાવરણ અને કાયદો-વ્યવસ્થા: ઉદ્યોગોની બેધારી તલવાર
કચ્છમાં ઉદ્યોગોની સંખ્યા વધી હોવા છતાં સ્થાનિક યુવાનો બેરોજગાર છે. મોટાભાગે બહારના મજૂરોને તક મળતી હોવાથી સ્થાનિક યુવાનોમાં નિરાશા છે. આ મજૂરોને કારણે ચેપી રોગો ફેલાવાની અને અસામાજિક પ્રવૃત્તિઓ થવાની ઘટનાઓ પણ વધી છે. તેથી, દરેક મજૂરનું પોલીસ વેરિફિકેશન થાય અને યોગ્ય નોંધણી ફરજિયાત કરવામાં આવે એવી લોકમાંગ છે.
ઉદ્યોગોએ પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. નફાને પ્રાધાન્ય આપતી કંપનીઓ સ્થાનિક લોકોના કલ્યાણ માટે કોઈ સામાજિક કામ કરતી નથી અને તેમના મજૂરોની જવાબદારી પણ સરકાર પર છોડી દે છે. કંપનીઓએ પોતાના કર્મચારીઓની સુરક્ષા, આરોગ્ય અને સામાજિક જવાબદારી નિભાવવી જોઈએ.
વિકાસના વચનોનું અધૂરું સ્વપ્ન: રસ્તા અને પશુઓનો ત્રાસ :
કચ્છના ગામડાઓમાં રસ્તાઓની હાલત અત્યંત નાજુક છે, જેના કારણે 50% સરકારી બસ રૂટ બંધ થઈ ગયા છે. આ બસ સેવાઓ જ્યારે શ્રી નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરાઈ હતી, પરંતુ હવે ફરીથી બંધ થઈ જતાં સામાન્ય લોકોને મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત, શહેરો અને ગામોમાં રખડતા પશુઓ અને કુતરાઓનો ત્રાસ અસહ્ય બની ગયો છે, જેના કારણે અકસ્માતો અને ઈજાઓના બનાવો વધી રહ્યા છે.
સ્થાનિક નેતાગીરીનો અભાવ અને રાજકીય અવગણના : એક નાગરિક તરીકે આ રજૂઆત નાછૂટકે કરવી પડે છે કેમ કે કચ્છમાં ફરજ બજાવવા આવતા બહારના અધિકારીઓ કંટાળીને ટૂંક સમયમાં બદલી કરાવીને ચાલ્યા જાય છે. આ બાબતની સંપૂર્ણ જાણકારી હોવા છતાં સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ (ધારાસભ્યો અને સંસદસભ્ય) રાજ્ય સરકારમાં રજૂઆત કરતાં ડરે છે. આ ભય પાછળનું એકમાત્ર કારણ એ છે કે તેમને ડર છે કે જો તેઓ સત્ય રજૂ કરશે તો તેમને ફરીથી ટિકિટ મળશે નહીં. લોકોમાં એવી ચર્ચા છે કે પ્રધાનમંત્રી શ્રી આ બાબતની ગંભીર નોંધ લે અને સ્થાનિક નેતાઓને લોકોના પ્રશ્નો ઉકેલવા પ્રોત્સાહિત કરે, અન્યથા ભવિષ્યમાં રાજકીય પરિવર્તન આવી શકે છે, જેનું તાજેતરનું ઉદાહરણ ગોપાલ ઈટાલિયા છે. એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
નિર્દોષ અપીલ: અલગ રાજ્ય જ એકમાત્ર ઉકેલ?
ભૌગોલિક રીતે વિશાળ, સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને કુદરતી સંસાધનોથી ભરપૂર હોવા છતાં કચ્છની વારંવાર અવગણના થાય છે. આથી, લાંબા ગાળે સર્વાંગી વિકાસ માટે “કચ્છને અલગ રાજ્ય” બનાવવાની માંગ હવે દરેક કચ્છીના હૃદયની ધડકન બની ગઈ છે. કચ્છવાસીઓ આશા રાખે છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપશે. કચ્છે હંમેશાં દેશને શ્રેષ્ઠ આપ્યું છે, હવે કચ્છને તેનો યોગ્ય હક મળવાનો સમય આવી ગયો છે.
કચ્છના લોકો આશા રાખે છે કે પ્રધાનમંત્રી પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન આ મુદ્દાઓની નોંધ લઈને તેમના સંબોધનમાં ઉલ્લેખ કરશે, તો પણ તેમને સંતોષ થશે.



