વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-08 જૂન : કચ્છ કોપર લિમિટેડના સહયોગથી અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા બુધવારે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વૃક્ષોનું વાવેતર અને ઉછેરનો મંત્ર સાકાર કરવા ઉપસ્થિત મહાનુભાવોએ લોકોને પ્રેરિત કર્યા હતા. દરમિયાન ઘરે-ઘરે વૃક્ષોનું વાવેતર વધે તે માટે વન વિભાગ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે "પ્રકૃતિ રથ"ને લીલી ઝંડી આપવામા આવી હતી.આગામી દિવસોમાં પ્રકૃતિ રથ લોકોને રોપાઓ પૂરા પાડશે.મોટી ભુજપુર ખાતે "વિશ્વ પર્યાવરણ દિવસ"- 2024ની ઉજવણીમાં સામાજિક વનીકરણ વિભાગ અને અદાણી જૂથના ઉચ્ચાધિકારીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણી મહેમાનોએ વૃક્ષારોપણ કરી લોકોને વૃક્ષોના મહત્વ વિશે આગવા અંદાજમાં સમજ આપી હતી. સામાજિક વનીકરણ વિભાગના હરેશભાઇ મકવાણાએ ગ્લોબલ વોર્મીંગના દુષ્પ્રભાવ વિશે સમજાવતા તાપમાન નિયંત્રણમાં વૃક્ષારોપણના મહત્વ વિશે સમજાવ્યું હતું. એટલું જ નહી, તેમણે લોકોને વૃક્ષારોપણમાં યથાસંભવ મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું.આજે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે તાપમાનનો પારો નીચો લાવવા વૃક્ષારોપણ એક માત્ર ઉપાય છે. પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના રાજયોગીની સુશીલાદીદીએ અધ્યાત્મિક અને આરોગ્યની દ્રષ્ટિએ જીવનમાં વૃક્ષોના મહત્વ વિશે સમજાવ્યું હતું. જ્યારે અદાણી ફાઉન્ડેશનના પંક્તિબેન શાહે વૃક્ષારોપણ, જળસંચય અને જળસંરક્ષણ માટે કરેલી પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી હતી.આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશનના "અદાણી વન" પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષોના સંરક્ષણ અને ટપક સિંચાઈ પદ્ધતિથી 8000 થી વધુ વૃક્ષોનાં વાવેતરની કામગીરીને બિરદાવવામાં આવી હતી. મોટી ભુજપુર જૂથ ગ્રામ પંચાયત તેમજ મતિયાદાદા મંદિર ટ્રસ્ટ દ્વારા અદાણી ફાઉન્ડેશનને "આભાર પત્ર" દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતું. APSEZ પર્યાવરણ વિભાગના ભાગવત સ્વરૂપ શર્માએ વૃક્ષ ઉછેરનું મહત્વ સમજાવતા અદાણી ફાઉન્ડેશનની કામગીરીમાં જોડાવા બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.