NARMADA

સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં આવનારા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને SoU ની ટીમ સજ્જ –

વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
અનીશ ખાન બલુચી

“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં આવનારા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને SoU ની ટીમ સજ્જ
———-
તા. ૨૧ થી ૩૦ એપ્રિલ દરમ્યાન મહેમાનો એકતાનગર ખાતે વિવિધ સ્થળોની મુલાકાત લેશે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાશે
———-
આ કાર્યક્રમને લઈને મહેમાનો સોમનાથ, દ્વારકા, પોરબંદર, રાજકોટ અને એકતાનગર ખાતે વિવિધ સ્થળોની મુલાકાત લેશે જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
———-
૧૭ એપ્રિલથી 30મી એપ્રિલ સુધી તમિલ સંગમ કાર્યક્રમ થકી બંને રાજ્યો વચ્ચે ભાષા, સંસ્કૃતિ, વારસો, સાહિત્ય, કલા, વ્યવસાય અને શિક્ષણ સહિતનું આદાન-પ્રદાન થશે
———-
આ કાર્યક્રમ થકી તમિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રીયન લોકોને ૧૦ દિવસ માટે ગુજરાતના પ્રવાસે લાવવામાં આવશે : પ્રથમ ટ્રેન તમિલનાડુથી ગુજરાત આવવા રવાના
———-
પ્રવાસીઓ ગુજરાતમાં સોમનાથથી દ્વારકા સુધીનો રોડમાર્ગે પ્રવાસ કરી વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થઈ સરદાર સાહેબના સાનિધ્યમાં એકતાનગર ખાતે પ્રવાસ પૂર્ણ કરી તમિલનાડુ જવા રવાના થશે
———-
સૌરાષ્ટ્રીયન તમિલ લોકો મુખ્યત્વે ચેન્નાઈ, મદુરાઈ, ડીંડીગુલ, પરમાકુડી, સાલેમ, કુંબકોણમ તનવીર, તિરૂનેલવેલી અને ત્રિચી શહેરની આસપાસ સ્થાયી થયા હતા
———-
એકતાનગર ખાતે મહેમાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, એકતા મોલ, આરોગ્ય વન, કેક્ટસ ગાર્ડન, વિશ્વ વન, આરોગ્ય વન, જંગલ સફારી, પેટ ઝોન, એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, પ્રોજેકશન મેપિંગ શો, નર્મદા મહા આરતી, યુનિટી ગ્લો ગાર્ડન સહિતના સ્થળો નિહાળશે
———–
ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવવા એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરાશે
———–
રાજપીપળા,શનિવાર :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતના ૯૯ માં એપિસોડમાં કહેલી વાત આગામી સપ્તાહમાં સાકાર થવા જઈ રહી છે. “સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ ભગવાન સોમનાથના સાનિધ્યમાં તારીખ ૧૭ એપ્રિલે શુભારંભ થશે અને તારીખ ૧૭ થી ૩૦ એપ્રિલ સુધી આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, વડોદરા અને નર્મદા જિલ્લાના એકતાનગર(કેવડિયા)માં સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં તમિલ લોકો ગુજરાતના મહેમાન બનીને આવી રહ્યાં છે. આ મહેમાનોને આવકારવા માટે નર્મદા જિલ્લો અને ખાસ કરીને વિશ્વ ફલક ઉપર પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિપ્રાપ્ત એકતાનગર સુસજ્જ બન્યું છે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થકી બંને રાજ્યો વચ્ચે ભાષા, સંસ્કૃતિ, વારસો, સાહિત્ય, કલા વ્યવસાય, ખાનપાન અને શિક્ષણ સહિતનું આદાન પ્રદાન થશે અને એકબીજાને દિલથી દિમાગથી જોડાઈને એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને સાકાર કરશે અને ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવશે. સદીઓ પહેલા હિજરત કરીને તમિલનાડુ ગયેલા મૂળ સૌરાષ્ટ્રીયન પોતાના વતનની યાદ તાજી કરીને વતન પ્રેમને વધુ ગાઢ રીતે યાદ કરશે. પોતાના બાંધવોને યાદ કરી હૈયે હૈયું મિલાવી મિલન- મુલાકાત કરશે અને ભાઈચારો, પ્રેમ, એકતાના અનોખા દર્શન કરાવશે.

આ કાર્યક્રમને લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના વડા શ્રીમતી શ્વેતા તેવતિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલની રાહબરી હેઠળ તમિલનાડુના મહેમાનોને આવકારવા તૈયારીઓ મીટીંગ અને આગોતરું આયોજન તથા અમલવારી કરવા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને વિવિધ સમિતિઓ બનાવી જવાબદારી નોંધવામાં આવી છે, તેનું મોનિટરિંગ અને માર્ગદર્શન કરી રહ્યાં છે.

સૌરાષ્ટ્ર અને તમિલનાડુ સાથે વર્ષો જૂનો સદીઓનો નાતો રહેલો છે. દુનિયાની સૌથી મોટી ગણવામાં આવતી હિજરત પૈકીની એક એટલે સૌરાષ્ટ્રથી તમિલનાડુમાં સ્થળાંતર થવું. ભારત વર્ષના તમિલનાડુ રાજ્યમાં અંદાજીત ૨૫ લાખ કરતા વધારે સૌરાષ્ટ્રવાસી સમુદાય પોતાની સૌરાષ્ટ્રવાસી તરીકેની ઓળખ, પરંપરા, વારસાને જાળવી રાખી નિવાસ કરી રહ્યાં છે. ૧૦૨૪ ની સાલમાં મોહમ્મદ ગઝનીના આક્રમણ સમયે દરિયાઈ માર્ગે સોમનાથ, પ્રભાસ પાટણ, વેરાવળથી સામૂહિક રીતે વસતા સૌરાષ્ટ્રવાસીઓ દરિયાઈ માર્ગે હિજરત કરી ખંભાત, સુરત અને ત્યારબાદ વિજયનગર સામ્રાજ્યમાં આશરો લઈ રહ્યાં હતા. વિજયનગરના પતન બાદ કળા અને અન્ય હસ્તકલાઓમાં પારંગતતા ધરાવતા આ સમુદાયને મદુરાઈના રાજવંશ મહારાજાએ આશ્રય આપ્યો હતો. ૧૫૦૦ ની સાલથી આ સમુદાય મદુરાઈ તેમજ આજુબાજુના વિસ્તારની અંદર સ્થાયી થયો છે. આ લોકો આજે પણ સૌરાષ્ટ્રના રીત રિવાજ મુજબ લગ્નવિધિ, પરંપરા, સાંસ્કૃતિક વારસો જાળવીને દૂધની જેમ સાકરમાં ત્યાં ભળી ગયા છે. સૌરાષ્ટ્રની પરંપરા અખંડ રાખી છે અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ સમુદાય ફરી ગુજરાત સાથે જોડાવા માટે તમિલ સૌરાષ્ટ્ર સંગમ થકી તૈયાર છે ત્યારે આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ એક પાયાનો પથ્થર સમાન બની રહેશે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના મૂર્તિમંત થવા જઈ રહી છે.

આ કાર્યક્રમ થકી નવી ચેતના અને ઊર્જાનો સંચાર લોકોમાં થશે. ગુજરાત સરકારના મંત્રીશ્રીઓએ પણ તમિલનાડુમાં જઈને આમંત્રણ અને રોડ-શો જેવા કાર્યક્રમો થકી ત્યાંના લોકોને પ્રોત્સાહિત કર્યા છે. ત્યાંના લોકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમને આવકારવા સરદાર સાહેબના સાનિધ્યમાં નર્મદા જિલ્લાના એકતા નગર(કેવડિયા) ખાતે ઉભા કરવામાં આવેલા વિવિધ પ્રકલ્પોની ઝાંખી કરાવીને ગુજરાતના પ્રવાસનનું ઘેલું લગાડવામાં આવશે. તેમને કલા, સાંસ્કૃતિક કાર્યક્રમ, ફૂડકોર્ટ અને માં નર્મદા મૈયાના દર્શન થકી રાજ્યની ઝાંખી કરીને સરદાર સરોવર નર્મદા ડેમની મજા માણવાનો એક અનેરો અને યાદગાર પ્રસંગ બની રહેશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અહીં દેશ વિદેશના લાખો પ્રવાસીઓ આવે છે તેમજ કેવડિયા ખાતે એકતામોલની અંદર એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ અંતર્ગત વિવિધ રાજ્યોની દુકાનો અને ત્યાંની ચીજવસ્તુઓ તેમજ પહેરવેશ, કલા અને કાષ્ટકલા, પથ્થરની મૂર્તિઓના આબેહૂપ દર્શન થાય છે. એકતાનો પ્રાકૃતિક સૌંદર્ય સંદેશ એકતા નગરથી ફળિભૂત થશે તેવી આશા સાથે વિશ્વાસ પણ છે.

તમિલનાડુ રાજ્યના મદુરાઈ ખાતેથી પ્રથમ ટ્રેન સૌરાષ્ટ્ર તમીલ સંગમ કાર્યક્રમ માટે ગુજરાત આવવા રવાના થઈ છે ત્યારે તેમની ભવ્ય રીતે વિદાય કરવામાં આવી હતી. ત્યારબાદ આ ટ્રેનનું સાલમ અને ચેન્નઈના રેલ્વે સ્ટેશન પર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. ચેન્નઈ ખાતે રાજ્યના નામદાર ગવર્નર રવિ સાહેબ તથા રાજ્યના સંગંઠન અગ્રણી શ્રી અન્ના મલાઈજીએ ઉપસ્થિત રહી હજારો લોકોની હાજરીમાં ગુજરાત આવી રહેલા લોકોને વિદાય કરવામાં આવ્યા હતા. આ તમામ પ્રવાસીઓનું ગુજરાતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ મહેમાનોને આવકારવા માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને એકતાનગરનું સમગ્ર તંત્ર સજ્જ બન્યું છે.
એકતાનગરની મુલાકાતે આવનારા સૌરાષ્ટ્રીયન તમિલ મહેમાનો સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી સરદાર સાહેબના ચરણોમાં વંદન કરશે. ત્યારબાદ એકતાનગર ખાતે મહેમાનો સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ, એકતા મોલ, આરોગ્ય વન, કેક્ટસ ગાર્ડન, વિશ્વ વન, આરોગ્ય વન, જંગલ સફારી, પેટ ઝોન, એકતા નર્સરી, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, પ્રોજેકશન મેપિંગ શો, નર્મદા મહા આરતી, યુનિટી ગ્લો ગાર્ડન સહિતના સ્થળો નિહાળી એક ભારત શ્રેષ્ઠ ભારતના સૂત્રને ચરિતાર્થ કરશે. પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર એકતા મોલ રહેશે. જ્યાં સમગ્ર ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રવાસીઓ સમક્ષ મૂકતી અલગ-અલગ પ્રાંતની દુકાનો આવેલી છે. માત્ર એટલું જ નહીં પણ આ મોલમાં તમિલની સાંસ્કૃતિ-કલા વારસાને ઉજાગર કરતો એક સ્ટોલ પણ કાયમી ધોરણે રાખવામાં આવ્યો છે. મહેમાનોના રાત્રિ રોકાણ માટે ટેન્ટ સિટી-૦૨ ખાતે સુવિધા કરવામાં આવી છે. અહીં મહેમાનો માટે રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. જે કલા અને સંસ્કૃતિના આદાન પ્રદાન માટેનું સાચા અર્થમાં સેતુ બની રહેશે.

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!