ભંગારની હેરાફેરી કરતા બે શખસ ઝડપાયા:અંકલેશ્વર પોલીસે દઢાલ ગામ પાસેથી 1.70 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે ગેરકાયદેસર ભંગારની હેરાફેરી કરતા બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.ગોહિલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસને બાતમી મળી હતી કે એક સફેદ પિકઅપ ગાડી (GJ-16-Z-8081)માં લોખંડ અને સ્ટીલનો ભંગાર નવાગામ કરારવેલથી દઢાલ થઈને પાનોલી તરફ જઈ રહી છે. દઢાલ ગામના ફાટક પાસે વાહન ચેકિંગ દરમિયાન આ ગાડીને રોકવામાં આવી હતી.
તપાસમાં ગાડીમાંથી 170 કિલો લોખંડ અને સ્ટીલનો ભંગાર મળી આવ્યો હતો. જેની કિંમત રૂ. 20,170 છે. પિકઅપ ગાડીની કિંમત રૂ. 1.50 લાખ મળી કુલ રૂ. 1,70,170નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પહેલો આરોપી નિયામત અકબર નિવાત પઠાણ કાપોદરા ગામનો રહેવાસી છે. બીજો આરોપી ફુલખાન જાગીરખા ખાન નવાગામ કરારવેલનો રહેવાસી છે. બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.



