Lodhika: કુમકુમ પગલા કરી શાળા પ્રવેશ કરતા પીપરડીના બાળકો: શાળામાં થયો નવતર પ્રયોગ

તા.૨૮/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Lodhika: રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ અંતર્ગત ‘શાળા પ્રવેશોત્સવ: ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની.’ સૂત્ર સાથે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગ્વાહાણેની અધ્યક્ષતામાં લોધિકા તાલુકાના પીપરડી, ચાંદલી, કોઠા પીપળીયા ગામ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગ્વાહાણેએ પ્રવેશપાત્ર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, બાળકો ઈશ્વરનું સ્વરૂપ છે. તેની સાથે વાત કરતા નવી ઊર્જા અને ઉમંગ દેખાય છે. નવા ભારતનું ઉજ્જવળ ભવિષ્ય નજર સામે તરવરવા લાગે છે. રાજ્ય સરકાર બાળકોને યુનિફોર્મ, પુસ્તકો, મીડ-ડે મીલ, રમતગમતના સાધનો સહિતની તમામ સુવિધા પુરી પાડે છે. શાળાઓ એવી જગ્યા છે જયાં ભારતનું નિર્માણ થાય છે. શિક્ષકો દેશના ભવિષ્યનું સર્જન કરી રહ્યા છે.વર્તમાન સમયમાં સરકારી શાળાઓ ડિજિટલ યુગ સાથે કદમ મિલાવી રહી છે. ત્યારે વાલીઓએ બાળકોને સરકારી શાળામાં ભણાવવાનો આગ્રહ રાખી, શિક્ષણને લગતી સરકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ.
શાળા પ્રવેશોત્સવ – ૨૦૨૪ અંતર્ગત પીપરડી પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકામાં ૯ બાળકોએ અને ધો. ૧માં ૨ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. ચાંદલી પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકામાં ૬ બાળકોએ અને ધો. ૧ માં ૪ બાળકોએ પ્રવેશ મેળ્વયો હતો. જ્યારે કોઠાપીપળીયા પ્રાથમિક શાળા ખાતે બાલવાટિકામાં ૩ બાળકોએ અને ધો. ૧ માં ૪ બાળકોએ પ્રવેશ મેળ્વયો હતો.
તમામ શાળાઓમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને સહાયક માહિતી નિયામક શ્રી સોનલબેન જોશીપુરા સહિત ઉપસ્થિત મહાનુભાવોએ શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમનો આરંભ મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરાયો હતો. કાર્યક્રમમાં મહાનુભાવોનુ પુસ્તક આપીને અભિવાદન કરાયું હતું. વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા હતાં.
શાળા પ્રવેશોત્સવ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યશ્રી મોહનભાઇ દાફડા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મોરડ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ઈલાબેન ઝાલા, સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી પારૂલબેન નકુમ, પીપરડીના સરપંચશ્રી મીનાબેન પ્રવીણભાઈ સંખારવા, પ્રાથમિક શાળાના આચાર્યશ્રી કિશોરભાઈ મહેતા, ચાંદલી ગામના સરપંચશ્રી ચેતનભાઈ મોરડ, કોઠા પીપડીયા પ્રાથમિક શાળા આચાર્યશ્રીઓ તમામ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







