કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષતા હેઠળ ગરીબ કલ્યાણ મેળાના આયોજનની બેઠક યોજાઈ
૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ કૃષિ યુનિર્વસિટીના સરદાર પટેલ સભાખંડ જૂનાગઢ ખાતે ગરીબ કલ્યાણમેળો યોજાશે

જૂનાગઢ ૧૮, આજરોજ ૨૭મી સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ કૃષિ યુનિર્વસિટીના સરદાર પટેલ સભાખંડ ખાતે યોજાનારા ગરીબ કલ્યાણ મેળા અંગે કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતા હેઠળ ગરીબ કલ્યાણમેળાના પૂર્વ આયોજન માટેની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું કે, સરકારશ્રીની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને તેમના લાભો સરળતાથી મળે તે માટે માઈક્રોપ્લાનિંગ કરી તે પ્રમાણે કામગીરી કરીએ. તેમણે કહ્યું કે, આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતા આયુષ્યમાન કાર્ડ ઉપરાંત પુરવઠા વિભાગની ઉજજ્વલા યોજના અને અન્નપૂર્ણા યોજનાના લાભાર્થીઓને મહત્તમ લાભો આપી માનવ સેવાનું ઉત્તમ કામ કરીએ. ઉદ્યોગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓમાં માનવ કલ્યાણ યોજના અને માનવ ગરિમા યોજના, કુંવરબાઈનું મામેરુ, સમાજ સુરક્ષા માટે દિવ્યાંગોને લગતી યોજનાઓ, ખેડૂતો અને પશુપાલકોને લગતી ખેતીવાડી અને પશુપાલન ખાતાની યોજનાઓ સહિત વિવિધ વ્યક્તિલક્ષી યોજનાઓના લાભાર્થીઓને આપવામાં આવનાર લાભો અને સહાય કીટના વિતરણ અંગે તંત્ર કરવામાં કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા કરી કાર્યક્રમ અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી એન.એફ.ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિતીન સાંગવાન, DRDA નિયામકશ્રી પી.એ.જાડેજા, નાયબ કમિશનરશ્રી અજય ઝાંપડા, જૂનાગઢ પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ સહિત તમામ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.





