JUNAGADHJUNAGADH CITY / TALUKO

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રીના પર્વે સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે પૂજા અર્ચના કરી

મુખ્યમંત્રીશ્રીએ ભવનાથ મંદિર પરિસર ખાતે ગિરનાર તીર્થક્ષેત્ર અને જુદા જુદા અખાડાઓના સાધુ સંતોના આશીર્વાદ મેળવી સંતોનું બહુમાન કરી અભિવાદન કર્યું

જૂનાગઢ તા.૧૫  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રીના પાવન પર્વે  ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન અને પૂજા અર્ચના કરી હતી.  મુખ્યમંત્રીશ્રીની સાથે ઉર્જા રાજયમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા પણ શ્રદ્ધાપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન – પૂજામાં જોડાયા હતાં.

મુખ્યમંત્રીશ્રીએ મહાશિવરાત્રીના પાવન અવસરે જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતા પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે ભવનાથ મંદિર પરિસરમાં સાધુ સંતોના આશીર્વાદ મેળવી તેમને ખેસ અર્પણ કરીને વિશેષ સન્માન સાથે અભિવાદન કર્યું હતું.

સંત સમાગમ માટે પ્રસિદ્ધ આ મહાશિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રીશ્રીએ સાધુ સંતો સાથે  મેળાપ કરીને આધ્યાત્મિક ચેતનાની પણ અનુભૂતિ કરી હતી. શ્રી ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મંદિરમાં આવેલા અખંડ ધુણાના પણ દર્શન કર્યા હતા ત્યારબાદ મૃગીકુંડ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આસ્થાના મહાકુંભરૂપ મહાશિવરાત્રીના મેળામાં ભવનાથ મંદિર પરિસરના સત્સંગ હોલ ખાતે શ્રી મુક્તાનંદ બાપુ, શ્રી શેરનાથ બાપુ, શ્રી હરિહરાનંદ બાપુ, શ્રી મહેશગીરીબાપુ, શ્રી મહેન્દ્રાનંદગીરીબાપુ, શ્રી સંપૂર્ણાનંદજી બાપુ, શ્રી રાજેન્દ્રદાસ બાપુ, શ્રી ભારદ્વાજગીરી બાપુ, શ્રી બુદ્ધગીરી બાપુ, શ્રી સોમનાથજી બાપુ સહિતના સાધુ સંતો સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. સાથે જ ખેસ અને ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું. આ તકે જિલ્લાના પદાધિકારી – અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં

મુખ્યમંત્રીશ્રીનું જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મેરજાએ સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સ્વાગત સન્માન કર્યું હતું. આ સાથે જ ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાનું પણ સ્મૃતિચિન્હ અર્પણ કરી વહીવટી તંત્ર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

પ્રાંત અને મેળા અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલે  મહાશિવરાત્રીના મેળાની પ્રાથમિક ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ ભવનાથ મંદિરના પરિસરમાં સહજતાપૂર્વક ભાવિકો સાથે વાતચીત કરી હતી અને તેમનું અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રીના મેળામાં જુદા જુદા અખાડાઓના સાધુ સંતો અને દિગંબર સાધુઓની મહાશિવરાત્રી પર્વે નીકળતી રવેડીનું પણ વિશેષ મહત્વ રહેલું છે.

ભવનાથ મંદિર ખાતે મુખ્યમંત્રીશ્રીને મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, શ્રી દેવાભાઈ માલમ, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટીયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા શ્રી મનનભાઈ અભાણી, દંડક શ્રી કલ્પેશભાઈ અજવાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલીયા, અગ્રણી શ્રી ધવલભાઈ દવે, શ્રી પુનિતભાઈ શર્મા, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા,  અગ્રણી શ્રી વેલજીભાઈ મસાણી સહિતના પદાધિકારી અધિકારીઓએ સ્વાગત કર્યું હતું.

Back to top button
error: Content is protected !!