
વંથલીના લાયન્સ નગર પ્રાથમિક શાળામાં પણ કલેકટરની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
૦૦
બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિ ખીલવી તેની ક્ષમતાઓને રચનાત્મક માર્ગે વાળવાનું કર્તવ્ય શિક્ષકોનું છે: વાલીઓ અને શિક્ષકો સાથે મળીને શ્રેષ્ઠ નાગરિકનું ઘડતર કરે: કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા
૦૦૦
જૂનાગઢ તા. ૨૭ જુનાગઢ જિલ્લામાં સરકારી શાળાઓમાં આજે બીજા દિવસે શાળા પ્રવેશોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. વંથલી તાલુકાના નવલખી અને વંથલીના લાયન્સ નગર પ્રાથમિક શાળામાં કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.
કલેકટર શ્રી એ નવલખી ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર બાલવાટિકા અને ધોરણ એકના બાળકોને આવકાર્યા હતા. કુમકુમ તિલક સાથે બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ભૂલકાઓને શાળા પ્રવેશ કાર્યક્રમમાં વાલીઓ પણ સહભાગી થયા હતા.
શાળાઓમાં કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓનું કલેકટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાલી અને શિક્ષકોને સંબોધતા કલેકટરે જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શિક્ષણની શ્રેષ્ઠ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સાહિત્ય તેમજ શુદ્ધ પીવાનું પાણી નવા શૈક્ષણિક ભવનો સાથે સ્માર્ટ ક્લાસ સહિત ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે.
કલેકટર શ્રીએ આ તકે કહ્યું કે મોબાઈલથી બાળકની વિચાર શક્તિ પર રોક આવે છે. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિ અને તેમને ગમતા વિષયો રસ કેળવીને તેમની શ્રેષ્ઠ કારકિર્દીને ઉજાગર કરવામાં પાયાનું શિક્ષણ અને શિક્ષકોની ભૂમિકા મહત્વની છે. આ શક્તિ અને ક્ષમતાઓને બહાર લાવવાનું કર્તવ્ય શિક્ષકોનું છે. વાલીઓ પણ શાળાની મુલાકાત લે અને બંને સાથે મળીને શ્રેષ્ઠ નાગરિક ઘડતર કરે તેવો અનુરોધ કર્યો હતો.
શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં પ્રવેશોત્સવના કાર્યક્રમમાં શાળાના આચાર્ય, એસએમસીના સભ્યો, વાલીઓ, ગામના સરપંચ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦






