
જૂનાગઢ તા.૨૭ જુનાગઢ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે જૂનાગઢના કલેક્ટર શ્રી અનિલકુમાર રાણા વસિયાએ વંથલી તાલુકાના સાંતલપુર ગામની મુલાકાત લઇ ગામની પ્રાથમિક શાળામાં તેઓ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટરે અહીં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ધોરણ ૧ અને બાલવાટિકાના બાળકોને પ્રવેશ આપ્યો હતો. શાળાઓમાં ઉમંગ અને આનંદના વાતાવરણ વચ્ચે બાળકોમાં પણ ખુશી જોવા મળી હતી.કલેક્ટરે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરી તેમના ઉજ્વળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.
અહીં વાલીઓને સંબોધતા કલેક્ટર એ કહ્યું કે વાલીઓ પણ શાળાઓની મુલાકાત લે અને તેમના બાળકોની શીખવાની ધગશ કેળવાય અને જરૂરી માર્ગદર્શન અંગે શિક્ષકો સાથે સંવાદ કરે. કલેક્ટર શ્રી એ શિક્ષકોને જણાવ્યું હતું કે પુસ્તકના જ્ઞાનની સાથે સાથે બાળકોને પ્રેક્ટીકલ જ્ઞાન મળે એ માટે પણ આયોજન કરીને કાર્ય શાળા ગોઠવવા જણાવ્યું હતું. એક વખત બાળકો ગ્રામ પંચાયતની -આરોગ્ય કેન્દ્રની ગામના વૃક્ષો, ખેતરો અને પર્યાવરણ વિશે રૂબરૂ મુલાકાત અને કામગીરી અંગે જાણે તે માટે પણ અનુરોધ કર્યો હતો.
શાળામાં તેજસ્વી વિદ્યાર્થીઓનું કલેકટરશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. વાલીઓ સાથે પણ સંવાદ કરી સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે માર્ગદર્શન આપ્યું હતું.







