NDRFના જવાનો અને વહીવટી તંત્ર દ્વારા દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
બિમાર વૃદ્ધાને બગસરા ઘેડ ગામેથી રેસ્ક્યુ કરી હોસ્પિટલ પહોંચાડ્યા

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : બગસરા ઘેડ ગ્રામે ૬૫ વર્ષના એક વૃદ્ધાનું બ્લડ પ્રેશર વધી જતા અને જાડા-ઉલટી થતા તાત્કાલિક સારવારની જરૂર હતી, ત્યારે એનડીઆરએફના જવાનો અને વહીવટી તંત્રના અધિકારીઓ- કર્મચારીઓ બોટ મારફત બગસરા ઘેડ ગામે પહોંચી, વૃદ્ધાનું રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ સંદર્ભે માંગરોળના તાલુકા વિકાસ અધિકારી આર.વી. ઓડેદરા જણાવે છે કે, બગસરા ઘેડ ગામના વૃદ્ધા નું રેસક્યુ કરવા માટે માંગરોળના સામરડા ગામેથી બોટ મારફતે રવાના થયા હતા. તેઓ કહે છે કે, બગસરા ગેડ ગામ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ વિસ્તારમાં પાણી તો ભરાયેલું હતું પરંતુ વચ્ચે ખેતરના સેઢા – પાળો હોય અને તાર ફેન્સીંગ પણ કરેલા હતા. જેથી બોટ સીધી રીતે ચાલી તેમ ન હતી. જેથી એનડીઆરએફના જવાનો સહિતની ટીમે બોટને ઊંચકવી પણ પડતી હતી. ફરી પાણીમાં મૂકીને બોટલ ચલાવવામાં આવી. આ દરમિયાન વાડી વિસ્તારમાં ફસાયેલા વૃદ્ધ દંપતીનું પણ રેસ્ક્યુ કરીને બગસરા ઘેડ ગામે સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા હતા.




તાલુકા વિકાસ અધિકારી આરવી ઓડેદરા કહે છે કે, તા.૨૮ ઓગસ્ટના આશરે બપોરના ૧૨.૪૦ કલાકે શરૂ કરાયેલા આ રેસક્યુ ઓપરેશન રાત્રીના ૧૦.૫૦ કલાકે પૂર્ણ થયું હતું. આમ, દશેક કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી.



