JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

ખરીફ ઋતુ-૨૦૨૪માં એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં “ડિજિટલ ક્રોપ સર્વે” અમલી

જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને “ડિજિટલ ક્રોપ સર્વે” અંતર્ગત બેઠક યોજાઇ

જૂનાગઢ તા.૨૫ જુલાઇ, ૨૦૨૪(ગુરુવાર)  ડિજિટલ એગ્રીકલ્ચરના ભાગરુપે ભારત સરકાર દ્વારા એગ્રી સ્ટેક પ્રોજેક્ટ અમલી છે. ભારત સરકારની સૂચના અનુસાર ખરીફ-૨૦૨૪ થી એગ્રી સ્ટેક પ્રોજેક્ટ ડિજિટલ ક્રોપ સર્વે આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં અમલી થશે. આ અંતર્ગત જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાની કમિટીની બેઠક યોજવામાં આવી હતી.

આ બેઠકમાં ડિજિટલ ક્રોપ સર્વે અંગેના વિવિધ પાસાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.  આગામી સમયમાં આ કામગીરી અભિયાન સ્વરુપે હાથ ધરવા શું કરવાનું રહે છે તે અંગે જિલ્લા કલેકટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આ કામગીરીને ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

એગ્રી સ્ટેક ડિજિટલ ગ્રુપ સર્વે પ્રોજેક્ટમાં મહેસુલ, પંચાયત, ખેતીવાડી, બાગાયત, લેન્ડ રેકર્ડ સહિતની કચેરીઓનું  પ્રતિનિધિત્વ સહપ્રમાણ હોય અને તેમના વચ્ચેનું આંતરિક સંકલન યોગ્ય રીતે જળવાઈ રહે તે અનુસાર આ કામગીરી થાય તે જોવા જણાવ્યુ હતુ. આ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા મોબાઈલ એપ્લિકેશન Geo-tagging દ્વારા જિલ્લાના દરેક જમીન ખાતા નંબરના તમામ સર્વે નંબરના ફોટો સાથે વાવેતર કરવામાં આવેલા પાકોની વિગતો એકત્ર કરવાની થાય છે તે વિશે વિગતો આપવામાં આવી હતી.

આ સર્વે માટે ગામના VLE, VCE કે  ટેકનોલોજીના જાણકાર હોય તેવા યુવાનોની પસંદગી થશે અને તેમના દ્વારા ખેડૂતોના ખેતર પર રુબરુ મુલાકાત કરી સર્વે કરવામાં આવશે.

ખરીફ ઋતુમાં આ કામગીરી તા.૧૬ ઓગસ્ટ, ૨૦૨૪ થી સમગ્ર જિલ્લાના ગામોમાં એક સાથે શરુ થશે. ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવતા ઋતુવાર વિવિધ પાકોના વાવેતરની  અદ્યતન વિગતો પણ આ કામગીરી થકી મળી શકશે. આવતા સમયમાં પાણીપત્રક ચોકસાઈપૂર્વક ઓનલાઇન થતા ખેતી પાકોની આયાત-નિકાસની નિતી નિર્ધારણમાં તેમજ ખેતીને લગત સંશોધનમાં ખૂબ જ ઉપયોગી થશે, તેમ જૂનાગઢ જિલ્લા નાયબ ખેતી નિયામક શ્રી (વિસ્તરણ) દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!