જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખનો અગતરાઈ જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ : સંગઠન મજબૂત બનાવવા અને સરકારી યોજનાઓના પ્રચાર પર ભાર

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ: આગામી જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીઓના અનુસંધાને, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ચંદુભાઈ મકવાણાએ આજે કેશોદ તાલુકાની અગતરાઈ જિલ્લા પંચાયત સીટનો પ્રવાસ કર્યો. આ પ્રવાસની શરૂઆત આસ્થાના કેન્દ્ર સમા નાગદેવતા શ્રીમાલબાપાના મંદિરે ધ્વજારોહણ અને સુખડી ચડાવીને કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન, સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નો, ગામડાના લોકોને આવાસ યોજના કે અન્ય કોઈ પણ પ્રશ્નો બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી, અને આગામી દિવસોમાં વધુમાં વધુ લોકોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, આ જિલ્લા પંચાયત સીટ નીચે આવતી દરેક તાલુકા પંચાયત સીટોના ગામડાઓમાં કેન્દ્ર સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે “વય વંદના કાર્યક્રમ” અંતર્ગત ૭૦ વર્ષથી ઉપરના તમામ લોકોના આયુષ્યમાન કાર્ડ નીકળી જાય તે સુનિશ્ચિત કરવાની વાત પણ કરવામાં આવી હતી. જિલ્લા અધ્યક્ષે સંગઠનના માધ્યમથી કરવાના કાર્યો વિશે વિસ્તૃત માહિતી આપી હતી.




