૭૯માં સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સંધ્યાએ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજાયા




સમીર પટેલ, ભરૂચ
ભારત સરકારના કોશલ્ય વિકાસ મંત્રાલયનાં માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ કાર્યક્રમોનું આયોજન કર્યુ હતુ. આજના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા નિયામકશ્રી ઝયનુલ સૈયદ દ્વારા તાલીમાર્થીઓને ૭૯માં સ્વાતંત્ર્ય દિન નિમિતે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા મંત્રાલય દ્વારા ઉજવાઈ રહેલ “હર ઘર તિરંગા- હર દિલ તિરંગા” અભિયાન અંગે વિગતો આપી હતી અને દેશ ભકિત માટે જાગૃતિ કેળવવા તમામ તાલીમાર્થીઓએ પોતાના ઘરે અને કામના સ્થળે ઘ્વજ ફરકાવી તિરંગાનું સન્માન કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે સ્વચ્છતા પખવાડીયા અને તિરંગા અભિયાન દરમ્યાન આયોજીત યુવા પ્રતિયોગીતાઓમાં નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અતિથિ વિશેષ પદેથી બોલતા રોટરી કોમ્યુનીટી ક્રોપ્સના પ્રમુખશ્રી જાહન્વીબેન દર્શન દ્વારા તાલીમાર્થીઓ સાથે સંવાદ કરી તેમની કામગીરીને બીરદાવી હતી અને જે.એસ.એસ દ્વારા ચાલી રહેલ સ્કીલ તાલીમ કાર્યક્રમ અંગે ભારોભાર પ્રશંસા કરી હતી. જે.એસ.એસ બોર્ડનાં સદસ્ય શ્રી કે.કે.રોહીત દ્વારા તાલીમાર્થીઓને સમાજમાં પોતાની ભાગીદારી સુનિશ્ર્ચીત કરવા આહવાન કર્યું હતું અને સ્કીલ તાલીમ પ્રાપ્ત કર્યા પછી માનનીય વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા સૌ તાલીમ પામેલ વિદ્યાર્થીઓને અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમ્યાન મહાનુભાવોના હસ્તે વિજેતા તાલીમાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા તથા તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા. ત્યારબાદ અતિથિ વિશેષ પદેથી ઉદબોધન કરતા અંક્લેશ્વર નગરપાલીકાના સભ્ય અને વિશાખાબા ફાઉન્ડેશનનાં પ્રમુખ શ્રીમતી કિંજલબેન ચૌહાણ દ્વારા “હર ઘર તિરંગા અભિયાન” હેઠળ આયોજીત કાર્યક્રમોની પ્રશંસા કરતા જણાવ્યુ હતુ કે સાચી દેશ ભકિત “હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા” માં સમાયેલી છે. સ્વચ્છતા ઉપર ભાર મુકતા તેમણે જણાવ્યું કે હાલ આપણે સ્વતંત્રતાનો ઉત્સવ સ્વચ્છતાને સંગે ઉજવી રહ્યા છીએ. ત્યારે આ અભિયાનના હેતુને આપણે સૌએ સાથે મળી સ્વચ્છ ભારત મિશન અને જળજીવન મિશન હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોને જાગૃત કરવાનો છે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના સ્વચ્છતા અને પાણીના મહત્વ ઉપર વધુ ભાર મુકવાની જરૂરીયાત છે. જેથી આપણે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાનું વિકસીત ભારત@૨૦૪૭ તરફ આગેકુચ કરી શકીએ. તેઓએ જન શિક્ષણ સંસ્થાન ભરૂચના તમામ ટીમના સભ્યોની શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરીનાં કૃપાબેન ચૌધરી તથા સુનીતાબેન વસાવા દ્વારા મહિલા ઉત્થાન અને કાનુની સગવડો વિશે માહિતી પૂરી પાડી હતી.
કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓની તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. અંતમાં શ્રીમતી ક્રિષ્ણાબેન કઠોલીયાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.



