સાળંગપુર મુકામે સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના સમર્પિત કાર્યકર્તાઓનો પ્રાન્ત કાર્યકર્તા અભ્યાસ વર્ગ યોજાયો

જુનાગઢ તા.૨ સંસ્કૃત ભારતી એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે વિશ્વના ૩૭ દેશોમાં સંસ્કૃત ભાષાનો નિશુલ્ક પ્રચાર પ્રસાર કરે છે. જેમના કાર્યકર્તાઓ એક પણ રૂપિયાની અપેક્ષા વગર દેવભાષા એવી સંસ્કૃતને જન વ્યવહારની ભાષા બનાવવા માટે અહર્નિશ પ્રયત્નરત છે. આ અભ્યાસ વર્ગમાં સૌરાષ્ટ્ર પ્રાંતના ૧૫ જિલ્લાઓમાંથી, પ્રાંત સ્તરના, વિભાગ સ્તરના અને જિલ્લા કક્ષાના દાયિત્વ વાળા કાર્યકર્તાઓ પોતાના સ્વખર્ચે ઉપસ્થિત રહ્યા હતા. અને બે દિવસ સંસ્કૃત ભાષાના સંવર્ધન હેતુ વિચાર-વિમર્શ કર્યો.
આ અભ્યાસ વર્ગના ઉદ્ઘાટનમાં સાળંગપુરના પૂ. જ્ઞાનતૃપ્તસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાનતૃપ્ત સ્વામીએ સંસ્કૃત ભાષાએ ભારતીયોના આચાર અને વ્યવહાર સાથે વણાયેલી ભાષા છે અને તેમના મહત્વ વિશે કાર્યકર્તાઓને જણાવ્યું હતું. ઉદ્ઘાટન બાદ વિવિધ સત્રોમાં કાર્યકર્તાઓને ગત વર્ષના કાર્યની સમીક્ષા અને આગામી વર્ષના કાર્યોનું ચિંતન કર્યું હતું. તો બીજે દિવસે સાળંગપુર સંસ્કૃત મહાવિદ્યાલયના બે આચાર્યો દ્વારા સંસ્કૃત ભાષામાં વાદવિવાદ પ્રતિયોગિતા દ્વારા સંસ્કૃત ભાષાનું મહત્વ પ્રતિપાદિત કર્યુ હતું. આ બે દિવસના અભ્યાસ વર્ગમાં કાર્યકર્તાઓને આગામી સમયમાં યોજાનાર ગૌરવ પરીક્ષા, સંસ્કૃત સંભાષણ વર્ગ, ઓગસ્ટ માસમાં થતી સંસ્કૃત સપ્તાહની ઉજવણી અને પત્રાચારના માધ્યમથી સંસ્કૃત શીખવા ઈચ્છતા સૌરાષ્ટ્ર પ્રાંતના લોકો માટે પ્રયત્ન કરવા સૂચવ્યું હતું. તેમજ પ્રાંત કક્ષાના અભ્યાસ વર્ગ બાદ સૌરાષ્ટ્ર પ્રાંતના પાંચ વિભાગોમાં તાલુકા કક્ષાના કાર્યકર્તાઓ માટે અભ્યાસ વર્ગ થાય તે માટેનું વિભાગના સંયોજકોએ આયોજન રજૂ કર્યું હતું.
આ અભ્યાસ વર્ગમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શિરિષ ભેડસસગાંવકરજી અને પશ્ચિમ ક્ષેત્રના સંગઠન મંત્રીશ્રી વિઠ્ઠલભાઈ ભટ્ટ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ અને સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ સુકાંતકુમાર સેનાપતિજી અને પ્રાંત મંત્રી ડો. પંકજભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ અભ્યાસ વર્ગને સફળ બનાવવા માટે સંસ્કૃત ભારતીના ભાવનગર વિભાગના ડો. મુકેશભાઈ ઇઢારીયા સહિત અનેક કાર્યકર્તાઓએ અથાક મહેનત કરી હતી તેમ સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચાર પ્રમુખ ડો.કિશોરભાઈ શેલડીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.






